દાહોદ,દાહોદ જીલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ ગઈકાલે સાંજના સવા છ વાગ્યાના સુમારે લીમખેડાના કુન્લી ગામે રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક ફોરવ્હીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે-07 એ.આર-6723 નંબરની ઈકો ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ સામેથી આવી રહેલી નંબર વગરની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલને સામેથી જોશભેર ટક્કર મારી દેતા મોટર સાયકલ પર સવાર 25 વર્ષીય વિકાસભાઈ દિનુભાઈ તડવી, 40 વર્ષીય કાંતાબેન દિનુભાઈ સંગાડા તથા 42 વર્ષીય દિનુભાઈ બચુભાઈ સંગાડા એમ ત્રણે જણા મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતાં વિકાસભાઈ દીનુભાઈ તડવી તથા કાંતાબેન દિનુભાઈ સંગાડાને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તે બંનેનું સથળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે 42 વર્ષીય દિનુભાઈ બચુભાઈ સંગાડાને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને દવા સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતાં આ ઘટનામાં મૃત્યુઆંક ત્રણ થયો હતો. આ સંબંધે ધાનપુર તાલુકાના બોર ગામના રૂપાભાઈ ધીરાભાઈ માવીએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે ઈકો ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ગઈકાલે બપોરના બે વાગ્યાના સુમારે લીમખેડાના વલુંડી ગામે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેલર ચાલક તેના કબજાનું જીજે-01 બી.વી.-1907 નંબરનું ટ્રેલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી આગળ જતી જીજે-20 બી.એ-6529 નંબરની મોટર સાયકલને પાછળથી ટક્કર મારી પોતાનું ટ્રેલર સ્થળ પર મૂકી નાસી જતાં મોટર સાયકલ પર સવાર નેલસુર ગામના 30 વર્ષીય અતુલભાઈ મનુભાઈ પરમારને પેટ ઉપર તથા છાતીના ભાગે ટ્રેલરનું ટાયર ચઢી જતાં પેટ તથા છાતીના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે નેલસુર ગામના દીલીપભાઈ મનુભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે ટ્રેલરના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ત્રીજો બનાવ ગરબાડાના દેવધા ગામે ગતરોજ રાતે સાડા સાત વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ગતરાતે એક ટેન્કર ચાલક તેના કબજાનું એમ.એચ.-15-ઈજી-9331 નંબરનું પાણીનું ટેન્કર રોડ પર અડચણ રૂપ ભયજનક રીતે તેમજ સાઈન બોર્ડ ન મૂકી બેદરકારી દાખવી રોડ પર ઉભુ રાખેલ હોઈ મુવાલીયા ગામના સરવનભઊાઈ વરસીંગભાઈ દેહધા તેની જીજે-20 એ.આર-0619 નંબરની મોટર સાયકલને લઈને આવતા રોડ પર ઉભેલા પાણીના ટેન્કરની પાછળના ભાગે ધડાકાભેર અથડાતાં મોટર સાયકલ ચાલક સરવનભાઈ વરસીંગભાઈ દેહધાને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ સંબંધે મુવાલીયા ચોરા ફળિયાના વરસીંગભાઈ બચુભાઈ દેહધાએ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલીસે પાણીના ટેન્કરના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.