દાહોદ,દાહોદ જિલ્લામાં બાળ લગ્નોની સંભાવનાના પગલે તેને રોકવા માટે 6 ટીમો બનાવીને તેમને ફિલ્ડ વિઝિટ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે તંત્ર દ્વારા 24 કલાક નો કંટ્રોલ રૂમ પણ ઉભો કર્યો છે. રાજયમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અમલમાં છે. હિન્દુ પરંપરાગત મુજબ અખાત્રીજ નિમિતે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો થાય છે અને ઘણા જાતિ સમુદાયોમાં સગીર છોકરા- છોકરીઓના લગ્નો પણ થાય છે. તા 22 અને 23ના રોજ અખાત્રીજ નિમિતે ઘણા બધા બાળલગ્નો થવાની સંભાવના છે.
જેથી દાહોદ જિલ્લામાં કાળજીપૂર્વક સમયસર કાર્યવાહી થવા અને અધિનિયમનો ચુસ્તપણે અમલ કરવા તથા આ અધિનિયમનો બહોળો પ્રચાર પ્રસાર કરવાના આદેશ આપ્યા છે. 9 તાલુકા માટે છ ટીમો તૈયાર કરી છે. અધિકારી/ કર્મચારીઓને ફાળવેલા તાલુકા મુજબ બન્ને દિવસે કાર્યક્ષેત્રમાં ફિલ્ડ વીઝીટના આદેશ આપ્યા છે.
જયાં લગ્ન થતા હોય ત્યાં બાળ લગ્ન થાય છે કે નહીં તે સુનિશ્ચીત કરી બાળ લગ્ન અટકાવવા અંગેની કામગીરી કરવાનું જણાવાયુ છે. કટ્રોલ રૂમ ખાતે બાળ લગ્ન અંગેનો ફોન આવે તો તે જગ્યાએ તાત્કાલિક બાળલગ્ન સ્થળે પહોંચવાનું જણાવાયુ છે.