- મેરી માટી, મેરા દેશ અન્વયે રાજ્યના મુખ્યસચિવ રાજકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જીલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ જોડાયા.
- માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત દેશની માટીને વંદન કરવાની સાથે સાથે દેશ માટે શહીદ થનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.
- વસુધા વંદન અંતર્ગત દરેક ગામમાં 75 વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરાશે.
- વીર શહીદોના નામની શિલાફલકમ્ (તક્તીઓ) સ્થાપિત કરવાની સાથે સાથે તેમના પરિવારજનોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે.
- લોકભાગીદારી થકી યોજાશે ગ્રામ્ય કક્ષાથી નવી દિલ્હી સુઘી મેરી માટી, મેરા દેશના કાર્યક્રમો.
- બાળકો, યુવાનો અને નાગરિકો હાથમાં દેશની માટી સાથે લેશે પાંચ પ્રણ.
દાહોદ, આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને જોડે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે જ સંકળાયેલી છે. મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે, સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આગામી 9મી ઓગસ્ટથી આરંભાશે. 9મી ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગ્રામકક્ષાએ કાર્યક્રમો યોજાશે. ત્યાર બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે અને ઓગસ્ટ મહિનાના અંતમાં મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજવાનું આયોજન છે.
મેરી માટી, મેરા દેશ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં આયોજીત વિડિયો કોન્ફરન્સમાં દાહોદના કલેક્ટર ડો હર્ષિત ગોસાવી તથા જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના દરેક જીલ્લાના અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત દાહોદ જીલ્લાની દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા અમૃત સરોવર અથવા ગામના જળાશય કે પછી શાળા/કોલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના નામવાળી તક્તી (શિલાફલકમ) સ્થાપિત કરવામાં આવશે તથા સ્વાતંત્ર્યસેનાનીઓ, શહીદ થયેલા આર્મી તથા પોલીસ સહિતના વિભાગના જવાનોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે.
ગામથી તાલુકામથક સુધીની માટી યાત્રા પણ યોજવામાં આવશે. જેમાં ગામની માટીને તાલુકા સ્તરે પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં બધા ગામોની માટી ભેગી કરીને એક કળશ ભરવામાં આવશે. જેને તાલુકાના એક નવ યુવાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.
ગામ સ્તરે આ અભિયાન અંતર્ગત વસુધા વંદન કાર્યક્રમ પણ યોજાશે. જેમાં દરેક ગામમાં 75 વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લેશે અને એની સેલ્ફી લઈને આ અભિયાનના ખાસ વેબપેજ પર અપલોડ કરશે તો તેમને ઈ-સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટે આયોજીત આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને માતૃભૂમિ, શહીદ વીરો તેમજ જમીન-માટીનું મહત્ત્વ સમજાવવા અને તેના પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના કેળવવાનો છે.
વિડિયો કોન્ફરન્સ બાદ કલેક્ટર તથા ડીડીઓ અને પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ઉપસ્થિત જીલ્લાના અધિકારીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું.
વિડિયો કોન્ફરન્સમાં અધિક નિવાસી કલેક્ટર અશોક પાંડોર,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, વન વિભાગના એ.સી.એફ અભિષેક, ડી.સી.એફ અમીત નાયક,જીલ્લા પુરવઠા અધિકારી મીતેશ વસાવા, જીલ્લા શિક્ષણ અધિકારી સુરેશ મેડા, જીલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, ઉપરાંત પંચાયત વિભાગ, સહિતના અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા.