દાહોદ જિલ્લામાં 4જી અને 5જી જુદા જુદા નામે અમાન્ય બિયારણોથી ખેડુતો બચે તે જરૂરી

દાહોદ,દાહોદ જિલ્લામાં ગયા વર્ષે નકલી બિયારણના કેસો થયા હતા ત્યારે આ વખતે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે વિવિધ કાળજી રાખવા માટે ખેતીવાડી વિસ્તરણ વિભાગ દ્વારા જણાવાયુ છે. જેમાં બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ્/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યકિતઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કયારેય પણ બિયારણની ખરીદી કરવી નહિ.જેથી છેતરપિંડીથી બચી શકાય.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનુ લાયસન્સ નંબર, પુરૂ નામ, સરનામુ અને જે બિયારણ ખરીદેલ હોય તેનુ નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પુરી થવાની વિગત દર્શાવતુ બિલ સહી સાથે અવશ્ય લેવુ. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદ્દત પુરી થઈ ગયેલ નથી. તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદ્દત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહિ. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનુ નામ, સરનામુ અને બિયારણના ધારા ધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહિ. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનુ જો ઘ્યાને આવે તો તાત્કાલિક જાણ કરવાનુ સુચન કરાયુ છે.