દાહોદ,દાહોદ જીલ્લામાં પોલીસે ચાર જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ પાડી રૂા.1,23,960ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી તેમજ એક મોટરસાઈકલ સાથે પાંચ ઈસમોની અટકાયત કરી હોવાનું જ્યારે પાંચ ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.17મી ફેબ્રુઆરીના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ગામે નવા ફળિયામાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલનો ચાલક પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાંની સાથે મોટરસાઈકલ પરના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.136 કિંમત રૂા.25,260ના પ્રોહી મુદ્દામાલ કબજે કરી મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.60,260નો મુદ્દામાલ કબજે કરી મોટરસાઈકલના ચાલક દુબળાભાઈ કાનજીભાઈ મેડા (રહે. ખંગેલા, મોટા ફળિયા, તા.જી.દાહોદ)ની અટકાયત કરી તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના એક ઠેકેદાર પાસેથી લાવ્યો હોવાનું જણાવતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના નાની ભીટોડી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.18મી ફેબ્રુઆરીના રોજ પોલીસ નાની ભીટોડી ગામે પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે ત્યાં થેલાઓની સાથે એક ઈસમ ઉભો હોવાથી પોલીસને તેના ઉપર શંકા જતાં તેની પાસે જઈ તેના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.192 કિંમત રૂા.27,360નો પ્રોહી જથ્થો કબજે કરી સંતોષભાઈ ચેતનભાઈ મંડોડ (રહે. ગુલબાર, ખાટીયા ફળિયું, તા.જી.દાહોદ) નાની પોલીસે અટકાયત કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજો બનાવ ગરબાડા તાલુકાના નીમચ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.18મી ફેબ્રુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે નીમચ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહ્યાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ઉભી રાખી ગાડીની તલાસી લેતાં તેમાંથી બીયરની કુલ બોટલો નંગ.384 કિંમત રૂા.44,080ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.2,00,080ના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર દિનેશભાઈ દેવલાભાઈ પરમાર અને શૈલેષભાઈ અનસિંહ સિંગાડ (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાઓની અટકાયત વિદેશી દારૂ પુરો પાડનાર તથા મંગાવનાર દિનેશભાઈ ધુળસિંગ વસુનીયા (રહે. મધ્યપ્રદેશ), હસમુખભાઈ હુમલાભાઈ પરમાર અને દિનેશભાઈ હુમલાભાઈ પરમાર (બંન્ને રહે. દશલા, તા.જી.દાહોદ) ઓની પણ સંડોવણી બહાર આવતાં આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ચોથો બનાવ ધાનપુર તાલુકાના નાનીમલુ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.18મી ફેબ્રુઆરીના રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે નાનીમલુ ગામે શકરપુરા સીમાડા ફળિયામાં રહેતાં મતાભાઈ પારીયાભાઈ વહોનીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં મતાભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.216 કિંમત રૂા.27,360નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.