દાહોદ જીલ્લામાંથી પોલીસે ચાર અલગ અલગ સ્થળોએ પ્રોહી રેડ પાડી કુલ 3,76,075ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી કબજે કરી ચાર બનાવોમાં બે મહિલા સહિત પાંચ ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જ્યારે બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.
પ્રોહીબીશનનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના લખણ ગોજીયા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.27મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે લખણ ગોજીયા ગામે વાખળા ફળિયામાં રહેતાં અજમેલભાઈ ટેટીયાભાઈ વાખળા, નિલેષભાઈ સામતભાઈ વાખળા અને ચેતનભાઈ સામતભાઈ વાખળાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યાં હતાં અને મકાનની તલાસી લેતાં તેમાથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.176 કિંમત રૂા.26,155નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધ ધાનપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબીશનનો બીજો બનાવ ગરબાડાના ખારવા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.27મી જુલાઈના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ખારવા ગામે નિશાળ ફળિયામાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે ગાડીના ચાલકે દુરથી પોલીસને જોઈ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડી પાસે જઈ ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.576 કિંમત રૂા.86,200ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.6,76,200નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક અક્ષયભાઈ બાબુભાઈ ભુરીયા (રહે. ખારવા, નિશાળ ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ) ની વિરૂધ્ધ દાહોદ એલસીબી પોલીસે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબીશનનો ત્રીજો બનાવ દાહોદના મોટીસારસી ગામે ક્રોસીંગ પાસે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.27મી જુલાઈના રોજ પોલીસ મોટીસારસી ગામે ક્રોસીંગ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે ત્યાં બે મહિલાઓ લલીતાબેન મનુભાઈ પરમાર તથા કવિતાબેન દિનેશભાઈ પરમાર (બંન્ને રહે. માતવા, પટેલ ફળિયું, તા. ગરબાડા, જી.દાહોદ) બંન્ને મીણીયાના થેલાઓ સાથે ઉભી હતી. ત્યારે પોલીસને શંકા જતાં તેઓની પાસે જઈ પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેઓની પાસે રહેલ મીણીયાના થેલાઓની તલાસી હાથ ધરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.192 કિંમત રૂા.25,920ના પ્રોહીબીશન જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને મહિલાઓ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબીશનનો ચોથો બનાવ ઝાલોદના જેપુર ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.26મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે જેતપુર ગામે મગરોળ ફળિયામાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. ત્યારે ગાડીમાં સવાર બે ઈસમો દુરથી પોલીસને જોઈ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયાં હતાં. પોલીસે ફોર ગાડી માંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1224 કિંમત રૂા.2,44,800ના પ્રોહી જથ્થા ફોર ગાડીની કિંમત મળી કુલ રૂા.8,49,800નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક તથા તેની સાથેનો નિલેશભાઈ વિરસીંગભાઈ વાઘેલા (રહે. ગામડી, તા. ઝાલોદ, જી. દાહોદ) ની વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.