દાહોદ,દાહોદ જીલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પ્રોહીના ત્રણ બનાવોમાં પોલીસે રૂા.1,68,173ના પ્રોહી જથ્થા સાથે પાંચ મોટરસાઈકલો કબજે કરી ત્રણ બનાવોમાં ત્રણ ઈસમોની અટકાયત કરી જ્યારે પાંચ ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.27મી માર્ચના રોજ શ્યામકુમાર ઉર્ફે શ્યામુ ભવરભાઈ સીસોદીયા (સાંસી) (રહે. ગલાલીયાવાડ, દ્રષ્ટિ નેત્રાલય પાસે, તા.જી.દાહોદ)નો પોતાના કબજાની મોટરસાઈકલ પર કાપડના થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે પોલીસને બાતમી મળતાં શ્યામકુમાર ઉર્ફે શ્યામુનો ફિલ્મી ઢબે પીછો કરી તેને મોટરસાઈકલ સાથે અટકાયત કરી હતી અને તેની પાસે રહેલા કાપડના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.363 કિંમત રૂા.50,005ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.75,005નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ બી ડિવીઝન પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ ગરબાડા તાલુકાના ગાંગરડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.27મી માર્ચના રોજ ગાંગરડા ગામે તોરણ ફળિયામાં રહેતો વિરસીંગભાઈ વાલચંદભાઈ ડામોર પોતાના મકાનની પાછળ પશુઓ બાંધવાના કોઢ (પહડાળ) માં વિદેશી દારૂનો જથ્થો સાથે હેરાફેરી કરી રહ્યો હતો અને આ વિદેશી દારૂની હેરાફેરીમાં તેની સાથે શૈલેષભાઈ ચુનિયાભાઈ ગણાવા (રહે. દેવધા, ડુંગરા ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ), સુરેશભાઈ ધારૂભાઈ ડામોર (રહે. ગાંગરડા, તા. ગરબાડા, જી. દાહોદ) અને મહેશભાઈ ભુરાભાઈ અહેરાલ (રહે. ગાંગરડા, તા. ગરબાડા, જી. દાહોદ) નાઓ મદદગારી, પાયલોટીંગ તેમજ વોચમાં હતા. ત્યારે આ અંગેની બાતમી પોલીસને મળતાં પોલીસે ઓચિંતી સ્થળ પર પ્રોહી રેડ પાડતાં ઉપરોક્ત ઈસમોમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતા. ત્યારે પોલીસે શૈલેષભાઈ ચુનિયાભાઈ ગણાવાને ઝડપી પાડ્યો હતો ત્યારે તેની સાથેના ઉપરોક્ત ઈસમો પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરતાં સ્થળ પરથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.480 કિંમત રૂા.62,800ના પ્રોહી જથ્થા સાથે 04 મોટરસાઈકલો મળી કુલ રૂા.2,62,880નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના દેગાવાડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.27મી માર્ચના રોજ દેગાવાડા ગામે લુહાર ફળિયામાં રહેતાં ભુપતભાઈ દિપસીંગભાઈ પટેલ તથા વિજયભાઈ જેતરાભાઈ લુહારના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે વિજયભાઈ જેતરાભાઈ લુહારને ઝડપી પાડ્યો હતો. જ્યારે ભુપતભાઈ પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે બંન્ને મકાનોની તલાસી લેતાં મકાનની પાછળ આવેલ પશુ બાંધવાના કોઢમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.340 કિંમત રૂા.55,288નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.