દાહોદ જીલ્લામાં ત્રણ પ્રોહિબીશન બનાવમાં 2.17 લાખના દારૂ જથ્થા સાથે 3 વાહનો ઝડપ્યા

દાહોદ, દાહોદ જીલ્લામાં પ્રોહીના ત્રણ બનાવોમાં પોલીસે કુલ રૂા.2,17,085ના પ્રોહી જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી તેમજ એક મોટરસાઈકલ મળી કુલ 03 વાહનો કબજે કર્યાનું જ્યારે ત્રણ ઈસમોની અટકાયત કરી તેમજ અન્ય ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.10મી ઓક્ટોમ્બરના રોજ ફતેપુરા પોલીસને મળેલ બાતમીના આધારે પાટવેલ ગામે ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક સુનીલભાઈ રમણભાઈ હજુરી (રહે. ગવાડુંગરા, બાપુ ફળિયું, તા. ફતેપુરા, જી.દાહોદ) નાની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 61 જેની કિંમત રૂા.47,545 તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.1,47,545નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના એક ઈસમના મેળાપીપણામાં હેરાફેરી થતો હોવાનું ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ દ્વારા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ સંબંધે ફતેપુરા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના સાદરા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.10મી ઓક્ટોમ્બરના રોજ સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે સાદરા રોડ ઉપર વડભેટથી નગવાવ તરફ જતાં રસ્તા પર પોલીસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે મળેલ બાતમીના આધારે ત્યાંથી બે મોટરસાઈકલો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને બંન્ને મોટરસાઈકલો નજીક આવતાંની સાથે તેઓને રોકવાનો પ્રયાસ કરતાં બંન્ને મોટરસાઈકલના ચાલકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક મોટરસાઈકલનો ચાલક હિતેશભાઈ ફતેસિંગભાઈ બારીયા (રહે.ગઢવેલ, વેડ ફળિયા, તા. ધાનપુર, જી.દાહોદ)નો નશો કરેલ હાલતમાં હોવાને કારણે તેની મોટરસાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જ્યારે તેની સાથેનો મોટરસાઈકલનો ચાલક વિદેશભાઈ શંકરભાઈ રાઠવા (રહે.ગઢવેલ, તા.ધાનપુર, જી.દાહોદ)નો નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ મોટરસાઈકલના ચાલકની મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 488 કિંમત રૂા.56,740ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી પોલીસે કુલ રૂા.1,07,240નો મુદ્દામાલ કબજે કરી સાગટાળા પોલીસે આ સંબંધે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના રોઝમ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.10મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રોઝમ પાટીયા પાસે નાકાબંધી કરતી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક ચતુરભાઈ ઉર્ફે કાળો ભયજીભાઈ ડામોર (રહે. રોઝમ, તળાવ ફળિયા, તા.જી.દાહોદ) નાની અટકાયત કરી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 936 કિંમત રૂા.1,12,800ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.5,12,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ બનાવમાં વિજયભાઈ રમેશભાઈ સંગાડીયા (રહે. મધ્યપ્રદેશ) નાએ વિદેશી દારૂની હેરાફેરીમાં મદદગારી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.