દાહોદ,દાહોદ જીલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં એક 08 વર્ષિય બાળા સહિત 03 વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ હતી. જ્યારે એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ફતેપુરા તાલુકાના પાડલીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી એપ્રિલના રોજ પાડલીયા ગામે સાંઈ સ્કુલના ગેટ સામે રોડ ઉપર એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલા 08 વર્ષિય જાનવીબેન રાહુલભાઈ ગણાસ્વા (રહે. ચીચાણી, તેર ફળિયું, તા. સંતરામપુર, જી. મહિસાગર) ને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં જાનવીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં જાનવીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ મુકી નાસી જતાં આ સંબંધે રાહુલભાઈ લાલુભાઈ ગણાસ્વાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.15મી એપ્રિલના રોજ અનવરપુરા ગામે હાઈવે રોડ ઉપર બાંસવાડાથી ઝાલોદ જતી સરકારી એસ.ટી. બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી. બસ પુરઝડપે અને બેફિકરાઈ પુર્વક હંકારી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા સંજયભાઈ સરદારભાઈ ગરાસીયા (રહે. તરકીયા, નીચલુ ફળિયું, તા. ગાંગડતલાઈ, જી. બાંસવાડા, રાજસ્થાન) તથા તેમની સાથે તેમના મિત્ર નિલેશભાઈ છગનભાઈ ગરાસીયા (રહે. કાળીય તળાવ, તા. ઝાલોદ, જી. દાહોદ) નાની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં સંજયભાઈ અને તેમની સાથેના નિલેશભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાતાં બંન્નેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેમાં ગંભીર ઈજાઓને પગલે નિલેશભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે સરદારભાઈ ફતીયાભાઈ ગરાસીયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.15મી એપ્રિલના રોજ અસાયડી ગામે હાઈવે રોડ પર એક ટ્રાવેલ્સનો ચાલક ભારતભાઈ રાયસીંગભાઈ બામણીયા (રહે. મધ્યપ્રદેશ) નાઓએ પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે આગળ જતી એક ટ્રકને પાછળથી જોશભેર ટક્કર મારતાં ટ્રકની કંડક્ટર સાઈડમાં બેઠેલ પંકજભાઈ કૈલાશભાઈ નિનામા (રહે. મધ્યપ્રદેશ) નાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે રાહુલભાઈ કૈલાશભાઈ નિનામાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.