દાહોદ જીલ્લામાં ત્રણ અલગ-અલગ પ્રોહિબીશન રેઈડમાં 1.83 લાખના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા : 7 ઈસમો નાશી જવામાંં સફળ

દાહોદ, દાહોદ જીલ્લામાં પોલીસે ત્રણ અલગ અલગ જગ્યાએ પ્રોહીની ત્રણ રેડો દરમ્યાન કુલ રૂા.1,93,824ના પ્રોહી જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી કબજે કર્યાનું જ્યારે પોલીસની રેડ દરમ્યાન ત્રણ બનાવમાં બે ઈસમોને પોલીસે પકડી પાડ્યાંનું જ્યારે સાત ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ટાંડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.19મી ડિસેમ્બરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે ટાંડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે દુરથી પોલીસને જોઈ ગાડીમાં સવાર ગાડીના ચાલક સહિત બે ઈસમો ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે બંન્નેનો પીછો કરી ખુશાલભાઈ દિનેશભાઈ પવાર (રહે. મધ્યપ્રદેશ) નાને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો કાલી બરજોડ (રહે. મધ્યપ્રદેશ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બીયરની કુલ બોટલો નંગ.336 કિંમત રૂા.47,520ના જથ્થા સાથે પોલીસે ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા.3,47,520નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.19મી ડિસેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પંચેલા ગામે રેલ ફળિયામાં રહેતો કમલેશભાઈ કાન્તીભાઈ પટેલના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસે કમલેશભાઈને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેના મનોજભાઈ છત્રસિંહ બારીયા (રહે.રણધીકપુર, તા.સીંગવડ, જી.દાહોદ), અરવિંદભાઈ બાબુભાઈ પટેલ (રહે. પીપલોદ, ફાટક બાર, તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ), વિપુલભાઈ નરપતભાઈ ડામોર (રહે. તોયણી, તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ), મિથુનભાઈ મોતીસીંહ લબાના (રહે. મોટી બાંડીબાર, તા. લીમખેડા, જી.દાહોદ) અને જવસીંગભાઈ સોમાભાઈ પટેલ (રહે. નાની બાંડીબાર, તા. લીમખેડા, જી.દાહોદ) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બીયરની કુલ બોટલો નંગ.762 કિંમત રૂા.90,144 નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો ત્રીજો બનાવ ગરબાડા તાલુકાના માતવા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.20મી ડિસેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે માતવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસે તેને ઉભી રાખવાનો પ્રયાસ કરતાં ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ઉભી ન રાખી ભગાવી હતી, તે સમયે પોલીસે તેનો પીછો કરતાં ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.432 કિંમત રૂા.56,160 ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.3,50,000 નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.