દાહોદ જીલ્લામાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ વ્યકિતના મોત

દાહોદ,દાહોદ જીલ્લામાં વીતેલા ચોવીસ કલાકની અંદર માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે માર્ગ અકસ્માતના વધુ ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. જેમાં માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખરોડ ગામેથી પસાર થતાં દાહોદ-ઝાલોદ રોડ ખાતે ગત તા.10મી ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો. જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે મુનીયા ફળિયામાં રહેતાં પ્રકાશભાઈ ભાથુભાઈ હઠીલા તથા તેમની સાથેના આશિષભાઈ ગોરસિંગભાઈ હઠીલાને અજાણ્યા વાહનના ચાલકે જોશભેર ટક્કર મારતાં પ્રકાશભાઈ અને આશિષભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતી હતી. ઘટનાને પગલે સ્થાનીક લોકો તેમજ પરિવારજનો દોડી આવતાં બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમ્યાન આશિષભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે મુનીયા ફળિયામાં રહેતાં ભાથુભાઈ રૂપાભાઈ હઠીલાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના હાથીધરા ગામે હાઈવે રોડ પર ગત તા.10મી ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતી મોપેટ ટુ વ્હીલર વાહનને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં મોપેટ ટુ વ્હીલર ગાડી પર સવાર પ્રેમશંકરભાઈ રામેશ્ર્વર મેઘવાલ (રહે. મધ્યપ્રદેશ)ના મોપેટ ટુ વ્હીલર ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં તેઓ જમીન પર પટકાયાં હતાં અને જમીન પર પટકાતાંની સાથે ટ્રકનું પાછળનું ટાયર પ્રેમશંકરભાઈ પર ફરી વળતાં તેમનું મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સંબંધે મધ્યપ્રદેશના નીમચ જીલ્લાના નીમચ તાલુકામાં બોરખેડી ગામે રહેતાં કમલેશકુમાર રામેશ્ર્વર મેઘવાલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દાહોદ તાલુકાના છાપરી ગામ તરફ બનવા પામ્યો હતો. જેમાં ગત તા.10મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે નિશાળ ફળિયામાં રહેતાં રેવાભાઈ વશનાભાઈ બારીયા પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી લઈ છાપરી ગામેથી રતલામી પેટ્રોલપંપ જવાના રસ્તેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે ટુ વ્હીલર ગાડી હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે વાહનની વધુ પડતી ઝડપના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં વાહન સ્લીપ ખાઈ ગયું હતું અને જેને પગલે રેવાભાઈ ટુ વ્હીલર વાહન પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ તાલુકાના રળીયાતી ગામે નિશાળ ફળિયામાં રહેતાં દેવાભાઈ વશનાભાઈ બારીયાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.