દાહોદ, દાહોદ જીલ્લામાં વાહન ચાલકની ગફલતને કારણે જુદી જુદી જગ્યાએ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બનાવોમાં ત્રણ જણાના મોત નિપજ્યાનું તેમજ બે જણાને ગંભીર ઈજાઓ તથાં તેઓને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લામાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના ત્રણ બનાવો પૈકીનો એક બનાવ સીંગવડ તાલુકાના સીંગાપુર ગામે રાત્રીના આઠ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં સીંગાપુર ગામે પટેલ ફવિયામાં રહેતા મુકેશભાઈ તથા વિપુલભાઈ લાલાભાઈ નિનામા મુકેશભાઈની મોટર સાયકલ લઈને ખેતરે પાણી મુકવા ગયા હતા અને ખેતરમાં પાણી મૂક્યા બાદ લીમડીથી લીમખેડા તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન લીમખેડાથી લીમડી તરફ પુરપાટ દોડી જતી સ્કોર્પીયો ગાડીએ મુકેશભાઈની મોટર સાયકલને જોશભેર ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર મુકેશભાઈ તથા વિપુલભાઈ લાલાભાઈ નિનામા મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતાં મુકેશભાઈ કાળુભાઈને શરીરે ઓછી વત્તી ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે વિપુલભાઈ નિનામાને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે સીંગાપુર ગામના મથુરભાઈ સુરપાળભાઈ નિનામાએ નોંધાવેલ ફરિયાદને આધારે રંધીકપુર પોલીસે સ્કોર્પીયો ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે આશ્રમ ફળિયા ફાટા પાસે હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં પુરપાટ દોડી આવતી આઈસર ટ્રકે એચ.એફ.ડીલક્ષ મોટર સાયકલને ટક્કર મારી અડફેટે લેતાં મોટર સાયકલ ચાકલીયા ગામના 20 વર્ષીય જયંતીભાઈ મનસુખભાઈ વહોનીયાને માથાના ભાગે ગંભીર તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકના સરકારી દવાખાને લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આઈસર ટ્રકનો ચાલક ટ્રક લઈ નાસી ગયો હતો. આ સંબંધે ચાકલીયા પોલીસે આઈસર ટ્રકના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જીલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ત્રીજો બનાવ ઝાલોદથી લીમડી તરફ જતાં રસ્તા ઉપર નાનસલાઈ ગામે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની પેશન પ્રો. મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રોડની સાઈડમાં પગપાળા કુદરતી હાજતે જઈ રહેલા કડકીયા ભાઈને ટક્કર મારી રોડ પર પાડી દઈ મોટર સાયકલ સ્થળ પર મૂકી નાસી ગયો હતો. જ્યારે કડકીયાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ઝાલોદ સરકારી દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે ઝાલોદ પોલીસે પેશન પ્રો. મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.