દાહોદ, દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદા જુદા સ્થળોએ બે પ્રોહી રેડ પાડી કુલ રૂા.1,03,700ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી તેમજ એક મોટરસાઈકલ કબજે કર્યાનું જ્યારે બે બનાવમાં પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા અને બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.26મી ફેબ્રુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ગામે ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને રોકી ગાડીમાં સવાર બે ઈસમોને તેઓનું નામ પુછતાં એકે પોતાનું નામ સંજયભાઈ રમેશભાઈ રાવત તથા બીજાએ પોતાનું નામ ભારતભાઈ રાયસીંગભાઈ ચૌહાણ (બંન્ને રહે. કુણધા બાજીપુરા અને કાલીયાકુવા ફળિયા, તા.લીમખેડા, જિ.દાહોદ) જણાવ્યું હતું. પોલીસે તેઓની ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.312 કિંમત રૂા.38,880ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.3,38,880ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે અકાયત કરી પુછપરછ કરતાં આ પ્રોહી જથ્થો મધ્યપ્રદેશના એક ઈસમે ભરી આપ્યો હોવાનું જણાવતાં આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.26મી ફેબ્રુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે હિન્દોલીયા ગામે પાણીના ટાંકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલનો ચાલક પસાર થતાં પોલીસને દુરથી જોઈ મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ અને થેલાઓ સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે મોટરસાઈકલ પાસે જઈ થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.469 કિંમત રૂા.64,820ના પ્રોહી જથ્થા સાથે પોલીસે મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.1,39,820નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સુખસર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.