દાહોદ,દાહોદ જિલ્લામાંથી પોલીસે બે સ્થળોએથી કુલ રૂા.1,68,880ના પ્રોહી જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી કબજે કર્યાનું જ્યારે બે બનાવોમાં પોલીસે એક ઈસમને ઝડપી પાડી જ્યારે ત્રણ ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખંગેલા ચેક પોસ્ટ ખાતે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.16મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ખાં ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે ગાડીમાં સવાર કનુભાઈ રમણભાઈ ભુરીયા, સંજયભાઈ રમેશભાઈ ભુરીયા અને સીનસિંગભાઈ રમેશભાઈ ભુરીયા (ત્રણેય રહે. ઉચવાણીયા, તા.જિ. દાહોદ) નાઓ પોલીસને જોઈ નાસવા જતા જેમાંથી પોલીસે કનુભાઈને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેના બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.504 કિંમત રૂા.72,240ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.3,72,240નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ લીમખેડા તાલુકાના વટેડા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.16મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે વટેડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં દુરથી પોલીસે ગાડીને ઉભી રાખવાનો પ્રયાસ કરતાં ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.720 કિંમત રૂા.96,640ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.2,46,640નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે લીમખેડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.