દાહોદ જીલ્લામાં બે અલગ-અલગ જગ્યાએથી સગીરાના લગ્નના ઈરાદે અપહરણ કરતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લામાં બે જુદી જુદી જગ્યાએ બે સગીરાઓને લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ જવાના ત્રણ બનાવો જેતે પોલીસ મથકે નોંધાંવવા પામ્યાં છે.

સગીરાના અપહરણનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના ભે ગામે બનવા પામ્યો હતો જેમાં ગરબાડા તાલુકાના ભરસડા ગામે ઝેલા ફળિયામાં રહેતો ઉદેસીંગભાઈ મડુભાઈ કટારાએ ગત તા.28.10.2023ના રોજ ગરબાડા તાલુકામાંથી અને ગત તા.12.01.2024 ના રોજ છોટાઉદેપુર જીલ્લાના ઓડ ગામેથી એમ બે વખત ગરબાડા તાલુકામાં રહેતી એક 15 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી ગયો હતો ત્યારે લાંબા સમયથી સમાજ રાહે નિકાલ ન થતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાનો અપહરણનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના મોટી સીમલખેડી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.11મી માર્ચના રોજ સંજેલી તાલુકાના હીરોલા ગામે બાંડી ફળિયામાં રહેતો કિરણભાઈ જાલસીંગભાઈ સંગાડાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક 15 વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.