દાહોદ,દાહોદ જીલ્લામાં વાહન ચાલકની ગફલતને કારણે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બનાવમાં ચાર જણા કાળનો કોળીયો બન્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જીલ્લામાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના કઠલા ગામે પીકપ સ્ટેન્ડ પાસે ઈન્દૌરથી અમદાવાદ જતાં નેશનલ હાઈવે રોડની સાઈડમાં પરમ દિવસે રક્ષાબંધનના દિને સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં કઠલા ગામના ડુંગરા ફળિયામાં રહેતા પંકજભાઈ લાલાભાઈ નિનામા, તથા બાંડીબાર ગામના ટીકુભાઈ દાઉદભાઈ બબેરીયા તથા ભુંડીયાભાઈ સોમાભાઈ બબેરીયા કઠલા પીકઅપ સ્ટેનવ્ડ ઉપર રોડની સાઈડમાં તેમની મોટર સાયકલ લઈ ઉભા હતા. તે દરમ્યાન ખંગેલા તરફથી પુરપાટ દોડી આવતી જીજે-20-બીડી-4346 નંબરની બજાજ પલ્સર મોટર સાયકલ પીકપ સ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં મોટર સાયકલ લઈ ઉભેલા ઉપરોક્ત ત્રણે જણાને અડફેટમાં લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ભુંડીયાભાઈ સોમાભાઈ બબેરીયાને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ટીકુભાઈ દાઉદભાઈ બબેરીયાને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું તથા પંકજભાઈ લાલાભાઈ નિનામાને પણ શરીરે ઓછી વત્તી ઈજાઓ થવા પામી હતી. જ્યારે બજાજ પલ્સર મોટર સાયકલનો ચાલક તથા પાછળ બેઠેલ ઈસમને પણ ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તે બંનેનું પણ સ્થળ પર જ મોત નિપજતાં ગમખ્વાર અકસ્માતની સદર ઘટનામાં મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. ઘટનાની જાણ થતાં કતવારા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત પંકજભાઈ લાલાભાઈ નિનામા તથા ભુંડીયાભાઈ સોમાભાઈ બબેરીયાને સારવાર માટે નજીકના સરકારી દવાખને મોકલી આપ્યા હતા તેમજ સ્થળ પર મરણ જનાર ટીકુભાઈ દાઉદભાઈ બબેરીયા તથા બજાજ પલ્સર મોટર સાયકલનો ચાલક તથા પાછળ બેઠેલ ઈસમ સહીત ત્રણે મરણ જનારની લાશનું પંચનામું કરી ત્રણેની લાશને પોસ્ટમોર્ટમ માટે કતવારા સરકારી દવાખાને મોકલી આપી ઈજાગ્રસ્ત પંકજભાઈ લાલાભાઈ નિનામાએ નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલીસે બજાજ પલ્સર મોટર સાયકલના મરણ જનાર ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે હાઈવે રોડ પર સાંજના ચારેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની જીજે-2-બીડી-1381 નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના ગાંગરડાખાઈ તાલુકાના ખુટાગલીયા ગામના ચીમનભાઈ ધોલીયાભાઈ રાણાની આરજે-03 એચએસ-5723 નંબરની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં રાજસ્થાનના ખુરાગલીયા ગામના ચીમનભાઈ ધોલીયાભાઈ રાણાને શરીરે ગંભીજ ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે રાજસ્થાનના ખુરાગલીયા ગામના મરણજનાર ચીમનભાઈ ધોલીયાભાઈ રાણાનાભાઆઈ લાલસીંગભાઈ ધોલીયાભાઈ રાણાએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.