દાહોદ જીલ્લામાં બે અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત

દાહોદ,દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી ડિસેમ્બરના રોજ એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ હિતેશભાઈ કાળુભાઈ દેવળ તથા તેમની સાથેના જીગરભાઈ (બંન્ને રહે. વાસીયાડુગરી, તળાવ ફળિયા, તા.ધાનપુર, જિ.દાહોદ) નાઓને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે હિતેશ અને જીગરભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી જેમાં હિતેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે જીગરભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે વાસીયાડુગરી ગામે તળાવ ફળિયામાં રહેતાં કૈલાશભાઈ છગનભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતને બીજો બનાવ લીમખેડા તાલુકાના અંધારી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.15મી ડિસેમ્બરના રોજ સરદારભાઈ ઉર્ફે મુન્નાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (રહે. અંધારી, કાંકરા ફળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ) નાઓએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અંધારી ગામેથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં સરદારભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે અંધારી ગામે કાંકરા ફળિયામાં રહેતાં સંજયભાઈ નરવતભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.