દાહોદ,તાજેતરમાં વિધાનસભા સત્ર દરમિયાન શિક્ષકોની ધટના આંકડા જાહેર થયા બાદ રાજયની શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સરકારે આપેલી માહિતી મુજબ રાજયની પ્રાથમિક શાળાઓમાં 21,000 જેટલા શિક્ષકો અને આચાર્યોની ધટ છે. એક તરફ સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં અવનવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ હકીકતમાં ચિત્ર કઈંક અલગ જ બહાર આવી રહ્યુ છે. જિલ્લાવાર શિક્ષકોની ધટના આંકડાઓ જોઈએ તો સરકાર દ્વારા આપેલી માહિતી મુજબ કચ્છમાં 1497 બાદ સોૈથી વધુ દાહોદમાં 1485 જેટલા પ્રા.શિક્ષકો અને આચાર્યોની જગ્યાઓ ખાલી છે. આગામી સમયમાં જયારે બદલી કેમ્પ અને 31મે ના રોજ સામુહિક રીતે શિક્ષકો વય નિવૃત્ત થશે ત્યારે નવા સત્રમાં શિક્ષકોની ધટ ખુબ જ ગંભીર બનવાની શકયતા રહે છે.
જયારે શિક્ષકોની આટ આટલી ધટ હોવાથી સરકાર દ્વારા આ ધટ દુર કરવા શુ કાર્યવાહી કરવામાં આવે તે અંગે તપાસ કરતા જાણવા મળ્યુ કે વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો પહેલા સરકાર દ્વારા રાજયના સોૈથી વધુ ધટ ધરાવતા જિલ્લાઓમાં 2600 જેટલા વિઘાસહાયકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં દાહોદ જિલ્લામાં 308 જેટલી જગ્યાઓ ભરવાની હતી પરંતુ જાહેરાતના 6 મહિના બાદ પણ નિમણુંક આપવામાં આવી નથી. આ અંગે વિઘાસહાયક ભરતીના ઉમેદવાર સૈયદ શાહરૂખહુસેૈન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, જિલ્લા પસંદગી અને નિમણુંક પહેલાની તમામ પ્રકારની વહીવટી કામગીરી પુર્ણ થઈ ગઈ છે. અને જાન્યુઆરીમાં ફાઈનલ મેરીટ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગી બાબતે છેલ્લા બે મહિનાથી ગાંધીનગરમાં સતત રજુઆત કરવામાં આવી રહી છે છતાં આગળ કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જો વેકેશન દરમિયાન જિલ્લા પસંદગી અને શાળા પસંદગી કરાવી દેવામાં આવે તો ઉમેદવારો રહેવાની સગવડ, પોતાના બાળકોના શાળામાં એડમીશન કરાવવા બાબતે યોગ્ય નિર્ણયો લઈ શકે.કારણ કે નિમણુંક બાદ ઉમેદવારોને ગણતરીના દિવસોમાં જ શાળામાં કામગીરીમાં જોડાઈ જવુ પડે છે. અને ઘણી મહિલા ઉમેદવારો પણ હોય છે તો તેમના માટે અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે. આગામી સત્રમાં સરકાર શિક્ષકોની ધટ દુર કરવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરીને ગાડુ ચલાવી રાખે છે કે કાયમી નિરાકરણ રૂપે લાયકાત વાળા શિક્ષકોની ભરતી કરે છે તે હવે જોવુ રહ્યુ.