- 15મી ઓગષ્ટની જીલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
દાહોદ જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ, 15મી ઓગષ્ટ-2024ની ઉજવણીના ભાગરૂપે જીલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ વર્ષે 15 મી ઓગષ્ટ પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી સ્વ જયદીપસિંહજી રમત-ગમત સંકુલ દેવગઢબારીયા ખાતે યોજવામાં આવશે.
દાહોદ જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ 15 મી ઓગસ્ટનો કાર્યક્રમ સુચારૂ અને આયોજનબદ્ધ રીતે ઉજવાય તે માટે જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીની સમીક્ષા રૂપે કાર્યક્રમની વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. 15મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાના થાય છે, ત્યારે આ પર્વને દાહોદ જીલ્લાના નાગરિકો પણ ઉલ્લાસભેર ઉજવે અને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને તેવા પ્રયાસો કરવા સૌને અપીલ કરી હતી.
જીલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે આયોજન અને વ્યવસ્થાનાં સુચારૂ સંચાલન, પોલીસ બંદોબસ્ત જેવી તમામ કામગીરીની અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર સ્મિત લોઢા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી સર્વઓ, નાયબ પોલીસ અધિક્ષકઓ સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.