દાહોદ , પશ્ચિમ બંગાળમાં ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા મહિલા સાથે ક્રુર અમાનવીય અત્યાચાર મામલે દાહોદ જીલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ એક આવેદનપત્ર દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે જેમાં ટીએમસીના કાર્યકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જનજાતિ સુરક્ષા મંચ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ એક આવેદનપત્ર દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, પશ્ચિમ બંગાળમાં સંદીશ ખાલીમાં ટીએમસીના નેતા શારજહાસિંહ તથા તેમના કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓની જમીનો હડપી લેવામાં આવે છે. મહિલાઓ ઉપર અત્યાચારો કરવામાં આવે છે. મહિલાઓને પરેશાન કરવામાં આવી રહી છે, જે માટે આ નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, પીડીત બહેનોને ત્વરીત ન્યાય મળે, તેઓને જમીન પરત મળે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ખુદ મહિલા મુખ્ય મંત્રી હોય અને મહિલાઓ ઉપર અત્યાચાર થતાં હોય તે એક નિંદનીય ઘટના છે. માટે વિના વિલંબ જન જાતિની અને અનુસુચતિ જન જાતિની મહિલાઓને ન્યાય મળે અને તેઓને તેઓની જમીન પુન: મળે તે માટે કાર્યવાહી કરવામાં આવે તે માટે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.