દાહોદ, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જીલ્લા કક્ષાએ જીલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જીલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી, દાહોદ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જીલ્લા પંચાયત સભાખંડ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ જીલ્લામાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને આજની તેજસ્વિની જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી. અધ્યક્ષસ્થાનેથી અરવિંદાબેનએ જણાવ્યુંકે જન્મ અને શિક્ષણ,આરોગ્ય, પોષણ, સામાજીક દુષણો, જાતિગત સમાનતા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે દાહોદ જીલ્લામાં આગામી ચુંટણી સંદર્ભે મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત વિશે સૌને જાગૃત કરવા અંગે ઉચ્ચ અધિકારી બાલીકાઓને જરૂરી સુચનો કર્યા હતા.
આ પ્રસંગે દાહોદ જીલ્લાની તેજસ્વિની પંચાયતના કાર્યક્રમમાં જન્મ અને શિક્ષણ,આરોગ્ય અને પોષણ, સામાજીક દુષણો, જાતિસમાનતા તથા અધિકાર અને મતદાન જાગૃતિ અભિયાન તથા સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત વિશે બાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાલિકા પદાધિકારીઓના હસ્તે વહાલી દિકરી યોજનાના મંજૂરી હુકમો તથા દીકરીના નામની નેમ પ્લેટ સહિતના લાભો અર્પણ કરાયાં હતાં. તેમજ દીકરીઓને સમાજમાં સમાન દરજ્જો મળે, શ્રેષ્ઠ શિક્ષણ તેમજ સલામતી મળે અને દીકરીઓ આત્મનિર્ભર બને તે અંગે “બેટી બચાવો બેટી પઢાઓ”ના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિના ચેરમેન સુશીલાબેન બારિયા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ વિકાસ અધિકારી , જીલ્લા પ્રોગ્રામ ઓફિસર, પ્રોટેક્શન અધિકારી, સહિત કિશોરીઓ અને મહિલાઓ વગેરે બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.