દાહોદ જિલ્લામાં માવજતના અભાવે દર વર્ષે વૃક્ષારોપણ પાછળ કરાતો ખર્ચો પાણીમાં

ફતેપુરા,દાહોદ જિલ્લાના તાલુકાઓમાં સરકાર દ્વારા જંગલ વિસ્તારનો વ્યાપ વધારવા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. તેમ છતાં જંગલ વિસ્તારો વૃક્ષોથી હરિયાળા થવાના બદલે બોડો થતો જાય છે. જુના ધટાદાર વૃક્ષોની સાચવણી નહિ થતાં કપાતા જાય છે.

ફતેપુરા તાલુકામાં દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાય છે. જેમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાય છે પરંતુ ત્યારબાદ આ રોપાઓનુ જતન કરાતુ ના હોઈ મોટાભાગના રોપાઓનુ બાળ મરણ થાય છે. વૃક્ષારોપણ અને વાવેપર પૈકી વર્ષમાં 10 ટકા રોપાઓનો પણ ઉછેર થતો હોય તો દસ વર્ષમાં તમામ જંગલો હર્યાભર્યા થઈ જાય. પરંતુ તેવુ જોવા મળતુ નથી. જેથી સરકાર દ્વારા કરાતા વૃક્ષારોપણ અને વન મહોત્સવો માત્ર દેખાતા ખાતર થતાં હોવાનુ જોવા મળે છે. જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી જુના ધટાદાર વૃક્ષોની તસ્કરી થતી હોય છે. સાગ, સાલ, સીસમ જેવા ઈમારતી લાકડાના વૃક્ષો જિલ્લામાં હવે જોવા મળતા નથી. જંગલોનો નાશ થતાં વાઘ, સિંહ, દિપડા, શિયાળ જેવા જંગલી પશુઓ પણ નામશેષની દિશામાં જઈ રહ્યા છે. રહ્યા સહ્યા પશુ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ ધસી આવે છે. દાહોદ જિલ્લામાં દર વર્ષે વૃક્ષારોપણ અને વન મહોત્સવ પાછળ કરવામાં આવતો ભારેખમ ખર્ચ વ્યર્થ સાબિત થતો હોય છે. ત્યારે વાવેતર કરાયેલા રોપાઓનુ માત્ર એક વર્ષ ઘ્યાન રાખવામાં આવે તો પણ વૃક્ષારોપણ તથા વાવેતરને સફળતા મળી શકે તેમ છે.