દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય ના ધોયેલા ઝભ્ભા પરથી પુરાવો મળ્યો અને FSLની આંખ ચમકી:4 દિવસની તપાસ, 5 વાળ મળ્યા, પાછલી સીટ પર શેના ડાઘ હતા?

આખા ગુજરાતમાં ચકચાર મચાવનારા દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. ગુનાઓને ઉકેલવા ભાગ્યે જ થતાં ટેસ્ટ આ કેસમાં કરાયા હોવાનો દાવો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે.આરોપીને ક્યાંયથી છટકબારીનો લાભ ન મળે તે માટે પોલીસે સજ્જડ પુરાવા ઊભા કર્યા છે. આ પુરાવા એકઠા કરવા માટે પોલીસે આરોપી આચાર્ય ગોવિંદ નટની કારને ગાંધીનગર એફએસએલમાં મોકલી હતી. જ્યાં એપિથેલિયલ ટેસ્ટ કરાયો હતો. આ એપિથેલિયલ ટેસ્ટ શું છે? કેવા સંજોગોમાં તે કરાય છે? એફએસએલની ટીમ જ્યારે આરોપીની કારની તપાસ કરતી હતી

કારને ટોઇંગ કરી ગોધરાથી ટ્રકમાં ગાંધીનગર મોકલાઇ આરોપી આચાર્ય ગોવિંદ નટની ધરપકડ બાદ પોલીસે પ્રાથમિક ધોરણે વધારે પુરાવા મેળવવા માટે ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની ફોરેન્સિક તપાસ કરાવવાનું નક્કી કર્યું હતું. કારના પુરાવા સાથે ચેડાં થયા હોવાના આક્ષેપ ન થાય તેનું ધ્યાન પણ પોલીસે રાખ્યું હતું. સૌ પહેલા દાહોદ પોલીસે 23મી સપ્ટેમ્બરે સવારે કાર સીલ કરી હતી અને બાદમાં તેને ગોધરાથી ટોઇંગ કરી એક ટ્રકમાં ચડાવીને ગાંધીનગર એફએસએલ ખાતે ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી.

પહેલાં કાગળની કાર્યવાહી કરાઇ અને પછી કારને એફએસએલ કેમ્પસમાં લઇ જવાઇ બપોરે અંદાજે 2:30 વાગ્યે આ કાર ગાંધીનગર ફોરેન્સિક લેબ પર પહોંચી હતી. અહીં કારને સૌ પ્રથમ લેબ કેમ્પસની બહાર રખાઇ હતી. કાર ટો કરીને આવેલા પોલીસકર્મીઓએ એફએસએલમાં કાગળની કાર્યવાહી પૂરી કર્યા બાદ કારને કેમ્પસમાં અંદર લવાઇ હતી.

એફએસએલના 5 અધિકારીઓને તપાસની જવાબદારી સોંપાઇ કેમ્પસમાં લવાયેલી કારની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે ડીએનએ ડિવિઝનના અધિકારીઓને એ જ સમયે જવાબદારી સોંપી દેવાઇ હતી. જેના પછી ડીએનએ ડિવિઝનના 5 અધિકારીઓએ કાર પાસે પહોંચીને પ્રાથમિક તપાસ કરી હતી.

કારની હાલત જોઇ અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા શરૂઆતમાં તો કારની તપાસ કરવા આવનારા અધિકારીઓને એમ જ હતું કે સાવ સરળતાથી તપાસ થઈ જશે અને આખો કેસ ઉકેલાઈ જશે પરંતુ જેવી કાર પર તેમની નજર પડી કે તરત જ અધિકારીઓની આંખની ભ્રમર ઊંચી થઈ ગઈ હતી. અધિકારીઓ એકબીજા તરફ જોવા લાગ્યા અને અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે જેટલું માન્યું હતું એટલો સરળ કેસ નથી. આવું એટલે થયું કેમ કે કારની સાફસફાઈ થઇ ગઇ હતી. જેનો સીધો અર્થ એ હતો કે કાર પરના અને તેની અંદર રહેલા પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી હતી.