દાહોદ દેવધાખાનની નજીક પીકઅપ પલ્ટી જતાં દારૂ ભરેલ ગાડીમાં આગ લાગી

દાહોદ,
દાહોદ તાલુકાના દેવધા ખાન નદીની નજીક એક દારૂ ભરેલ બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ જતાં જોતજોતામાં આ દારૂ ભરેલ ગાડીમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર ફાઈટરોને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી પરંતુ અહીં ચોંકાવનારી વાત એ જાણવા મળી છે કે, દારૂ‚ ભરેલ આ ગાડી પલ્ટી ખાતાની સાથે જ સ્થાનીકોને આ ઘટનાની જાણ થતાં દારૂની લુંટફાટ કરવા સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાણવા મળ્યા અનુસાર, આ ગાડીમાં આગ લગાડવામાં આવી હતી. પલ્ટી ખાઈ ગયા બાદ તો ગાડીમાં આગ ન હોતી લાગી પરંતુ સ્થાનીકોમાં એ પણ ચર્ચા થઈ પામી હતી કે, પકડાઈ જવાની બીકે ચાલકે અથવા તો તેના મળતીયાઓ દ્વારા દારૂનો નાશ અને પુરાવાનો નાશ કરવા આ આગને અંજામ આપ્યો હતો.

ગતરોજ મોડી રાત્રીના સમયે વરમખેડા ગામેથી ઠસોઠસ દારૂ ભરેલ બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થઈ રહી હતી. રસ્તામાં અકસ્માતે આ દારૂ ભરેલ ગાડીને અકસ્માત નડતાં રસ્તાની બાજુમાં આ ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. ગાડીમાં દારૂ ભરેલ હોવાના કારણે અને ગાડી પલ્ટી ખાઈ જતાં ગાડીમાં આગ ભભુકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતાં ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનીકોને થતાં તેઓએ નજીકના પોલીસ મથક સાથે સાથે નજીકના ફાયર ફાયટરને પણ જાણ કરી હતી અને પોલીસ તેમજ ફાયર ફાઈટરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લીધા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ જાણવા મળ્યા અનુસાર, આ ગાડી દારૂ ભરેલ ગાડી પલ્ટી ખાતાની સાથે જ ગાડીમાંથી વિદેશી દારૂના ક્વાટરીયા તેમજ વિયરનો જથ્થો રસ્તા પર તેમજ આજુબાજુ મોટી માત્રામાં વેરવિખેતર થઈ ગયો હતો અને આ દારૂના જથ્થાને મેળવા આસપાસના લોકોમાં દોડાદોડીનો નજારો પણ જોવા મળ્યો હતો. સાથે જ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો, રાહદારીઓ દ્વારા પણ આ દારૂની બોટલો ઉઠાવવા લાગ્યા હતા જેના હાથમાં જેટલો દારૂ આવ્યો તેટલો લઈને રવાના થતાં હોવાના જાહેરમાં દ્રશ્યો જોવા મળ્યા હતા. સદ્નસીબે આ અકસ્માત અને આગમાં કોઈની જાનહાની થવા પામી ન હતી અને ગાડીમાં સવાર ચાલક પકડાઈ જવાની બીકે નાસી ગયો હતો. નજીકની પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના એક ઠેકા પરથી લાવવામાં આવ્યો હતો અને દાહોદના કોઈ બુટલેગરના ત્યાં ઢાલવવાનો હતો.