ફતેપુરા તાલુકાના કાળીયા ખાતે ભજન મંડળીમાં ગયેલા દુકાનદારની દુકાનમાં તસ્કરો હાથ સફાઈ કરી ગયા

  • જાણભેદુ તસ્કરો દ્વારા રાત્રિના સમયે મકાનના છતના પતરાં અધ્ધર કરી દુકાનમાં પ્રવેશી કરિયાણાના સામાન સહિત રોકડ મળી રૂા. 25000/- હજાર ઉપરાંતની ચોરી કરી ચોર લોકો ફરાર થયા.
  • સુખસર પોલીસમાં લેખિત ફરિયાદ આપ્યાના ત્રણ દિવસ બાદ પણ કોઈ તપાસ હાથ ધરવામાં નહીં આવી હોવાનો ફરિયાદીનો આક્ષેપ.

ફતેપુરા,
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં જાણભેદુ તસ્કર લોકો પોતાનો કસબ અજમાવવા માથું ઊંચકી રહ્યા છે. જેમાં એક બનાવ સુખસર પોલીસ હદ વિસ્તારના કાળીયા ગામે રાત્રિના સમયે જાણ ભેદુ તસ્કરોએ દુકાનના પતરાં અધ્ધર કરી દુકાનમાં પ્રવેશી કરિયાણાનો સામાન તથા વકરાના નાણાની ચોરી કરી ચોર લોકો પલાયન થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે દુકાનદાર દ્વારા તેની લેખિત જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હોવાથી જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ હદ વિસ્તારના કાળીયા ગામે રહેતા લવાભાઈ કાળુભાઈ મછાર દાતી ફળિયા ખાતે પોતાનું રહેણાંક મકાન તથા કરિયાણાની દુકાન ધરાવે છે. જેઓ 29 ઓક્ટોબર-22 ના રોજ ગામમાં ભજન સત્સંગનો કાર્યક્રમ રાખેલ હોય ત્યાં રાત્રિના આઠેક વાગ્યે મકાન તથા દુકાનને તાળા મારીને ગયેલ હતા. જેનો ગેરલાભ ઉઠાવી કોઇ જાણભેદુ તસ્કરોએ કરિયાણાની દુકાનના પાછળના ભાગના છતના પતરા અધ્ધર કરી દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી પેટ્રોલ, સિંગતેલનો ડબ્બો, બીડી, વિમલ, મસાલા, ચા, ખાંડ તથા અન્ય સરસામાન સહિત વકરાના રોકડ રૂપિયા 1700/- જેટલા કુલ મળી આશરે રૂપિયા 25000/-હજારની ચોર લોકો ચોરી કરી ગયા હોવાની લવાભાઈ કાળુભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હોવા છતાં ત્રણ દિવસ વિતવા છતાં પોલીસ દ્વારા સ્થળ તપાસ કરવી જોઈએ તે કરવામાં નહીં આવી હોવાનુંજાણવા મળે છે.