દાહોદ,દાહોદ જિલ્લામાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા સમાપ્ત થયા બાદ હવે પરીક્ષામાં કોઈ વિધાર્થીએ ગેરરિતી કરી છે કે નહિ તે જાણવા માટે તેમની શંકાસ્પદ હિલચાલ જોવા સીસીટીવી કેમેરાની ચકાસણીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દાહોદ અને લીમખેડામાં આ કામગીરી માટે 80 કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લામાં ધો-10ના 18 કેન્દ્રોમાં 87 બિલ્ડિંગો ઉપર 25,428 વિધાર્થીઓ નોંધાયા હતા. જયારે લીમખેડામાં 11 કેન્દ્રોની અંદર 42 બિલ્ડિંગોમાં 13,925 વિધાર્થીઓ નોંધાયા હતા. તેવી રીતે ધો-12 સામાન્ય પ્રવાહના 17 કેન્દ્રોની અંદર 72 બિલ્ડિંગો ઉપર 23,371 તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્ર્રવાહના 3 કેન્દ્રોની અંદર 11 બિલ્ડિંગો ઉપર 2274 વિધાર્થીઓની નોંધ થઈ હતી. જોકે જિલ્લામાં ધો-10 અને 12ની પરીક્ષા આપવા માટે નોંધાયેલા 64,998 વિધાર્થીઓમાંથી કેટલાક વિધાર્થીઓ વિવિધ કારણોસર ગેરહાજર રહ્યા હતા. પરીક્ષામાં કોઈ ગેરરિતી ન થાય તે માટે સીસીટીવી પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. ત્યારે પરીક્ષા પુર્ણ થયા બાદ કયા વિધાર્થીઓ દ્વારા ગેરરિતી કરવામાં આવી છે કે નહિ તે જાણવા માટે સીસીટીવી કેમેરાનુ હાલ ચેકિંગ ચાલી રહ્યુ છે. દાહોદ શહેરની એન્જિનીયરીંગ કોલેજમાં ધો-10 અને 12ના સામાન્ય પ્રવાહના સીસીટીવી કેમેરાના ચેકિંગ માટે 50 કર્મચારીઓની ફોજ ઉતારી દેવામાં આવી છે. તેવી જ રીતે લીમખેડામાં ધો-12 વિજ્ઞાન પ્રવાહના સીસીટીવી કેમેરાના ચેકિંગ માટે 30 કર્મીઓ કામ કરી રહ્યા છે. બંને સ્થળે 80 કર્મચારીઓ એક-એક કરીને સીસીટીવી ચેક કરીને પેપર આપી વખતે વિધાર્થીઓની શંકાસ્પદ હિલચાલની નોંધ કરી રહ્યા છે.