દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરના પારખા કરી મોતને વહાલું કરી લેતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ સુજાઇબાગના રહેવાસી સૈફુદ્દીન દુધિયાવાલા તેમજ તેમની પત્ની થતાં ત્રણ પુત્રીઓ ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરના પારખા કરી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ વાયુવેગે વરસમાં તેમજ શહેર – જિલ્લામાં પ્રસરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ આરંભી દીધી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે એક જ પરિવારના પાંચ પાંચ સભ્યોના સામૂહિક આત્મહત્યાથી ગોરા સમાજમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ પરિવારે કયા કારણોસર પોતાની જીવનલીલા સંકેલી લીધી કે હાલ જાણી શકાયું નથી. ત્યારે પોલીસે આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા એસ.પી.સહિતની ટીમનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
દાહોદ શહેરના સુજાઈબાગ વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજના એકજ પરિવારના પાંચ સદસ્યો
- (૧) સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધિયાવાલા (ઉ.વ.૪૨) તેમની પત્નિ
- (૨) મેજબીન દુધિયાવાલા (ઉ.વ.૩૫), તેમની ૩ પુત્રીઓ
- (૩) જૈનબ (ઉવ.૧૬),
- (૪) અરવા (ઉ.વ.૧૬) જૈનબ અને (અરવા જુડવા પુત્રીઓ છે)
- (૫) હુસૈના (ઉ.વ.૭)
આ પાંચેય જણાએ પોતાની જીંદગી ટુંકાવી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમીક દ્રષ્ટિએ કોઈ ઝેરી પદાર્થ લઈ આત્મહત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે હાલ સુધી ખરેખર કયાં કારણથી પરિવારે પોતાની જીંદગી ટુકાવી છે. તે અંગે અનેક તર્ક વિતર્કાે વહેતા થવા પામ્યા છે. પોલીસની પ્રાથમીક તપાસ દરમ્યાન આર્થિક સંકળામણને કારણે આ ઘટનાને અંજામ અપાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. પરિવારે એકસાથે પોતાનું જીવન ટુંકાવ્યું છે તે પરિવારે એકસાથે ભોજનમાં કોઈ પદાર્થ લીધો છે કેમ? તેની તપાસ પણ હાથ ધરાઈ રહી છે. ઘટના સ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ કે અન્ય કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવેલ ન હોઈ હાલ તો આ આત્મહત્યાનું રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. પોલીસે ઘટના સ્થળેથી ભોજનના નમુના, બીજા સાંયૌજીક પુરાવા સહિતની વસ્તુ એકત્ર કરી છે જ્યારે પરિવારના પાંચેય સદસ્યોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.પોસ્ટમોર્ટમ પછીજ આત્મહત્યાનું કારણ અથવા બનાવ પરથી પડદો ઉઠશે તેવું લાગી રહ્યું છે. સ્થાનીક ઘટના સ્થળે ચર્ચાતી માહિતી મુજબ પરિવારના મોભીએ પોતાની જ સગા – સંબંધીમાંથી દાગીના લાવ્યો હોવાનું અને તે દાગીના પરત ન આપી શકવાનું કારણ પણ આ ઘટનાની પાછળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે સ્થળ પર વ્હોરા સમાજના આસપાસના લોકો સહિત પરિવારના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટોળામાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વહેતી થવા માંડી છે ત્યારે એ આ સમગ્ર આત્મહત્યાનીનું સાચું કારણ જાણે મૃતકો સાથે જ દફન થઈ ગયું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે કારણ કે, સમાજના લોકો તેમજ ઉપસ્થિત લોકો વચ્ચે પોત પોતાના હિસાબે આ આત્મહત્યાને અનેક વણાંક આપવામાં આવી રહ્યો છે.