દાહોદ,દાહોદમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ લેતા થયું ફૂડ પોઈઝનિંગ: 80 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા : સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ : બેની હાલત ગંભીર બનતા વેન્ટિલેટર પર મુકાયા.
અધિક મહિનાના અંતિમ દિવસે દાહોદ શહેરમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ લેતા 80 થી પણ વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ખોરાકી ઝેરનો ભોગ બનેલાઓને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે ની હાલત ગંભીર બનતા તે બંનેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાનું સાંભળવા મળી રહ્યું છે. દાહોદ શહેરમાં અધિક માસના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે એક સંપ્રદાય દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રસાદી સખડી ખાવામાં આવતા અનેક લોકો ફૂડ પોઈઝનિંગ નો ભોગ બન્યા હતા. જેથી તેઓને હાલ દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં તેમજ દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું સાંભળવા રહ્યું છે. આ પૈકીના બે દર્દીઓની હાલત વધુ ગંભીર બનતા તે બંનેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નું પણ સાંભળવા મળ્યું છે. દાહોદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેટલાકની સ્થિતિમાં સુધાર ન જણાતા તેઓને અમદાવાદ તેમજ વડોદરાની અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં પણ ખસેડાયા હોવાનું સાંભળવા મળ્યું છે. આ બાબતે કોઈપણ જવાબદારો કાંઈ પણ બોલવા તૈયાર નથી હોસ્પિટલ વિભાગ પણ આ બાબતે માહિતી આપવા તૈયાર નથી કે નથી. આરોગ્ય વિભાગ આ મામલે આરોગ્ય વિભાગના જવાબદારોને પૂછતા તેઓ પણ આ બાબતે અમોને કાંઈ ખબર નથી નો રાગ આલાપી આ મામલે નિંદ્રાધિન હોવાની પ્રતીતિ કરાવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, આ સખડીનો પ્રસાદ હતો અસંખ્ય ભક્તોએ લીધો હતો તો પછી તે પૈકીના માત્ર 80 થી વધુને જ કેમ ફૂડ પોઈઝનિંગ થયું? પ્રસાદ ખાનારા તમામ ભક્તોને કેમ ન થયું? પ્રસાદ લેનાર તમામને ઓછી વધતી અસર તો થવી જોઈએ ને? આવા અનેક સવાલો હાલ દાહોદ શહેરના જનમાનસમાં ઉદ્દભવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ ગંભીર ઘટના માટે હાલના બદલાતા વાતાવરણને પણ જવાબદાર લેખાવી રહ્યા છે.