દાહોદ-ધાર-ઈન્દોર રેલ્વે પ્રોજેકટ માટે 14 ગામોની જમીન સંપાદન માટે અધિકારીની નિયુકિત

દાહોદ-ધાર-ઈન્દોર રેલ્વે પ્રોજેક્ટમાં દાહોદ થી કતવારા સુધીનું સેકશન પૂર્ણ થઈ જવા પામ્યો છે. જયારે ગુજરાત બોર્ડરથી ઝાબુઆ સુધીનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે..હવે આગળનું કામ પણ શરૂ થવાની ધારણા છે. રેલવેએ જીલ્લા વહીવટીતંત્રને પત્ર લખીને જીલ્લાના 14 ગામોમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. આ તમામ ગામો રામા તહસીલના છે. ધામંડા, દુધી, ફતેપુરા, હાટીડેલી, ખીરી, કાકરકુઆં, મહુરી, પાલેડી, રૂપારેલ, સર, સેમલઘાટા, સુરીનાળા, ઉમરકોટ અને વાઘનેરામાં સરકારી અને ખાનગી જમીનોનો સર્વે કર્યા બાદ વહીવટી તંત્રને યાદી સુપ્રત કરવામાં આવી છે.

રેલ્વેએ જમીન અધિગ્રહણની સૂચના પ્રકાશિત કરવાની પરવાનગી માંગી છે. જીલ્લા વહીવટીતંત્રે ઝાબુઆ એસડીએમને સંપાદન પ્રક્રિયા માટે અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. આ પ્રોજેક્ટના કામમાં વિલંબને કારણે રેલ્વેએ પ્રોજેક્ટને સોંપવાની સમયમર્યાદા માર્ચ 2026 થી ફેબ્રુઆરી 2028 સુધી લંબાવી દીધી છે. આ પહેલા અલીરાજપુરથી ધાર લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવશે.

ઈન્દોર થી ધાર તરફ અને ગુજરાત થી ઝાબુઆ તરફ કામ ઝડપથી ચાલી રહ્યું છે. 1640.04 કરોડના પ્રોજેક્ટની કિંમત હવે 2873.11 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં રૂ.1637.31 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 204.67 કિમી માંથી 32.3 કિમી તૈયાર છે. અહીં ઝાબુઆમાં 38.89 કરોડના ખર્ચે બની રહેલા રેલવે સ્ટેશનનું કામ પણ લક્ષ્યાંક કરતાં ઘણું પાછળ ચાલી રહ્યું છે. તે મે 2024માં પૂર્ણ થવાનું હતું. હજુ સુધી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું નથી. સ્ટાફ ક્વાર્ટર્સ અને વહીવટી ભવન તૈયાર છે.