દાહોદ, દાહોદ શહેરના દર્પણ રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટરમાં સફાઈના અભાવે કચરાના ઢગ ખડકાતા તે શોપિંગ સેન્ટરનું બેઝમેન્ટ કચરાનું ન્યુસન્સ પોઈન્ટ બની જતા આજુબાજુમાં આવેલ હોસ્પિટલોના દર્દીઓ તેમજ આસપાસના દુકાનદારો માટે જોખમ રૂપ બની જતા આ શોપિંગ સેન્ટરમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે સાફ-સફાઈ હાથ ધરી સાફસુથરૂ બનાવી દવાનો છંટકાવ કરવામાં આવી તેવી લોકમાંગ બુલંદ બનવા પામી છે.
દાહોદ દર્પણ રોડ પર એલ ડી હોસ્પિટલ તેમજ તેની આસપાસમાં અન્ય કેટલીક હોસ્પિટલો આવેલી છે. તે હોસ્પિટલોમાં 24 કલાક દર્દીઓ તેમજ દર્દીઓના સગાવહાલાની સતત અવરજવર રહે છે. ત્યારે આ એલડી હોસ્પિટલની સામે નગરપાલિકા દ્વારા કેટલાક વર્ષ અગાઉ એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. અને જે તે સમયે તે શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી કરી દુકાનો ફાળવી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ છેલ્લા કેટલાય સમયથી આ શોપિંગ સેન્ટર ની દુકાનો પૈકી મોટાભાગની દુકાનો કોઈને કોઈ કારણસર બંધ હાલતમાં જ રહેતા દુકાન માલિકો દ્વારા તે દુકાન તેમજ તેની આગળના ભાગે લોબીમાં સફાઈ ન કરાવાતા આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. ચોમાસામાં વરસાદનું પાણી આ શોપિંગ સેન્ટરના બેજમેન્ટમાં વર્ષોથી ભરાતું આવતા અને તે પાણીન નિકાલનો કોઇ પ્રયાસ ન કરાતા બેજમેન્ટની દુકાનોમાં તેમજ દુકાનોની આગળ લોબીમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો હતો. આ બેઝમેન્ટમાં પાણી ન ભરાય તે માટે ગયા વર્ષે ઉપરનો શેડ થોડો આગળ વધારી દેવામાં આવતા વરસાદી પાણી બેઝમેન્ટમાં ભરાતુ બંધ થયું હતું, પરંતુ હાલ બેઝમેન્ટમાં સુકા કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જે નજીકના વિસ્તારોમાં રોગચાળાનું જોખમ વધારી રહ્યા છે.આ આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો તેમજ દુકાનો માટે આ શોપિંગ સેન્ટર સફાઈના અભાવે અભિશાપ બનીને રહી જવા પામ્યું છે. તેમ કહેવું પણ હાલના તબક્કે ખોટું નથી. જે તે સમયે પાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આ શોપિંગ સેન્ટરની દુકાનોની જે તે સમયે હરાજી કરી નાખવામાં આવી હતી અને તે દુકાનો પૈકીની મોટાભાગની દુકાનો કોઈને કોઈ કારણસર અત્યાર સુધી પણ ચાલુ ન કરાતા અને બંધ હાલતમાં રહેતા આજે તે શોપિંગ સેન્ટરનું બેજમેન્ટ કચરાના મીની ડેપો સમૂ બની જવા પામ્યુ છે. આ માટે જવાબદાર કોણ દુકાનદાર? કે પછી પાલિકા તંત્ર ? જો દુકાનદાર જવાબદાર હોય તો પાલિકા તંત્ર દ્વારા તેઓની સામે આજ દિન સુધી કોઈ દંડનાત્મક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, તે પણ એક વિચારવા જેવી બાબત છે. જવાબદારી બાબતમાં જ પડવાનું છોડી પાલિકાના સંલગ્ન વિભાગ દ્વારા આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં થયેલ કચરાના ઢગ વહેલામાં વહેલી તકે સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા લોકમાંગને પૂરી કરવા ક્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે હવે જોવું રહ્યું!!!