દાહોદ કોર્ટ દ્વારા પરણિતાને માસીક ભરણપોષણના 20 હજાર ચુકવવા આદેશ કરતી કોર્ટ

દાહોદ, દાહોદ શહેરમાં રહેતી એક પરણિતાને તેના પતિ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘર માંથી કાઢી મુક્યાના બનાવ બાદ પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતાં પરણિતાએ પોતાને ન્યાય મળે તે માટે દાહોદની કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કરતાં કોર્ટ દ્વારા તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ પરણિતાને માસીક રૂા.20,000 ભરણપોષમ માટે ચુકવવા તેમજ રૂા. 50,000 પરણિતાને આપવામાં આવેલ શારિરીક અને માનસીક ત્રાસ પેટે વળતર ચુકવવાનો હુકમ કર્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેરના ગોદી રોડ ખાતે રહેતુ દંપતિ વર્ષાબેન તથા મીથુનભાઈ નવલસિંહ પરમાર લગ્ન જીવનમાં બંધાયા બાદ મીથુનભાઈને રેલ્વેમાં નોકરી લાગી હતી. આ લગ્ન જીવન દરમ્યાન આ દંપતિને સંતાનમાં બે બાળકો આવતર્યા હતા ત્યારે પરણિતા વર્ષાબેનને સંતાનમાં બે બાળકો હોવા છતાંય મીથુનભાઈ તથા તેમના પરિવારના સદસ્યો દ્વારા પરણિતા વર્ષાબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં હતા. ત્યારે મીથુનભાઈને અન્ય સ્ત્રી જોડે સંબંધ હોવાને કારણે પરણિતા વર્ષાબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં. આ દરમ્યાન અવાર નવાર વર્ષાબેને પંચ રાહે વારંવાર પોતાની સાસરીમાં જવા અનેક પ્રયાસો કર્યા હતાં. પરંતુ પંચ રાહે પણ આ મામલે કોઈ નિકાલ આવ્યો ન હતો, જેથી પરણિતા વર્ષાબેને ન્યાયની માંગણી સાથે દાહોદની કોર્ટમાં ઘરેલુ હિંસા ધારા હેઠળ કેસ કર્યો હતો. આ કેસમાં બંન્ને પક્ષોએ પુરાવાઓ રજુ કર્યા હતા. તેમાં મીથુનભાઈએ વર્ષાબેનને છુટાછેડા આપ્યાં વગર અન્ય સ્ત્રી જોડે લગ્ન કરી લેવાની હકીકત કોર્ટમાં સ્વીકારવામાં આવી હતી અને દાહોદની નામદાર કોર્ટ દ્વારા પરણિતા વર્ષાબેનના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી પતિ મીથુનભાઈએ પરણિતા વર્ષાબેન સાથે ઘરેલું હિંસા આચરી છે. તેમ ઠરાવી મીથુનભાઈએ વર્ષાબેન સાથે કરેલ ઘરેલુ હિંસા બદલ માસીક રૂા.20,000 ભરણપોષણ, દવા સારવાર તથા જીવન નિર્વાહ ખર્ચ બદલ ચુકવવાના હુકમ સાથે સાથે માનસીક અને ભાવનાત્મક યાતના બદલ અલાયદા રૂા.50,000 વળતર પેટે ચુકવવાનો હુકમ પણ દાહોદની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.