દાહોદ,
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલએ દાહોદમાં કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા માટે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલી સૂચના બાદ દર્દીઓની સારવાર માટે વધુ આઠ હોસ્પિટલને એનરોલ કરી માત્ર બે દિવસમાં ૨૧૭ પથારીનો વધારો કરવામાં આવ્યો છે.આરોગ્ય તંત્ર દ્વારા એનરોલ કરાયેલી હોસ્પિટલની યાદી જોઇએ તો કેર, સુંદરમ (ઝાલોદ), છત્રછાયા (ગરબાડા), શ્રદ્ધા અને અમરદીપ, આર્યા (ફતેપુરા), સમીર, ધૂન (ઝાલોદ)નો સમાવેશ થાય છે.
આ હોસ્પિટલમાં ૭ આઇસીયુ બેડ, ૭૦ ઓક્સીઝન બેડ અને ૧૩૨ સામાન્ય બેડ મળી કુલ ૨૦૯ પથારીનો સમાવેશ થતો હતો. આ પૂર્વે દાહોદમાં કોરોના દર્દીની સારવાર માટે કુલ ૯૯૮ બેડ હતા. તેમાં ૨૧૭ બેડ વધતા હવે કુલ પથારીની સંખ્યા ૧૨૧૫ થઇ હોવાનું ડો. કેવલ પંડ્યાએ જણાવ્યું છે.
ઝાયડ્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં ૧૦૦ ઓક્સીઝન બેડ તૈયાર કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આયોજન પ્રમાણે કામગીરી ચાલે તો બેત્રણ દિવસમાં આ બેડ પણ તૈયાર થઇ જશે.