દાહોદ,
દાહોદ તાલુકાના ખરોદા ગામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બીસી પોઈન્ટ ચલાવનાર એજન્ટ આજરોજ દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રૂ.૩ લાખ રૂપીયા રોકડા ઉપાડી પોતાની ફોર વ્હીલર ગાડીમાં બેઠા હતા અને ટાયર પંચર જણાતાં નજીકમાં આવેલ ટાયરની દુકાને ફોર વ્હીલર ગાડીનું પંચર કઢાવતાં હતાં તે સમયે ડ્રાઈવર સીટ ઉપર મુકેલ રોકડા રૂપીયા ૦૩ લાખ ભરેલ બેગ કોઈ અજાણ્યા ગઠીયાઓ ચોરી કરી લઈ નાસી જતાં દાહોદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હેબતાઈ ગયેલ બીસી પોઈન્ટના એજન્ટે દાહોદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
દાહોદ તાલુકાના રાણાપુર ગામે રહેતા મુકેશભાઈ રાઠોડ ખરોદા ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું બીસી પોઈન્ટ ચલાવે છે. આજરોજ તેઓ આ બીસી પોઈન્ટ માટે રોકડા રૂપીયા લેવા દાહોદની યાદગાર ચોક ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે આવ્યાં હતાં અને જ્યાંથી રોકડા રૂપીયા ૦૩ લાખ ઉપાડી પોતાની ફોર વ્હીલર ગાડીમાં બેઠા હતાં. આ દરમ્યાન ગાડીનું ટાયર પંચર જણાતાં તેઓ નજીકમાં આવેલ એક ટાયરની દુકાને પહોંચ્યાં હતાં અને ત્યાં પંચર પડેલ ટાયરનું પંચર કઢાવતાં હતાં. આ દરમ્યાન તેઓ રોકડા રૂપીયા ૦૩ લાખ ભરેલ બેગ ડ્રાઈવર સીટની ઉપર મુક્યું હતું. એક તરફ મુકેશભાઈ ટાયરનું પંચર કઢાવવામાં વ્યસ્ત હતા. ત્યાં બીજી તરફ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ડ્રાઈવર સીટની ઉપર મુકી આ રોકડા રૂપીયા ભરેલ બેગની તડફંચી કરી લઈ નાસી ગયાં હતાં. મુકેશભાઈએ ડ્રાઈવર સીટ તરફ જોતાં રૂપીયા ભરેલ બેગ નજરે ન પડતાં તેઓ હેબતાઈ ગયા હતા. આસપાસના લોકો પણ જાણ થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. વિલંબ ન કરી મુકેશભાઈએ તાત્કાલિકા આ મામલે નજીકની પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ દ્વારા હાલ આસપાસના સીસીટીવી ફુટેજોની તપાસ પણ હાથ ધરી હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટના આજે ટોક ઓફ ધી ટાઉન રહેવા પામી હતી.