પ્રેરણારૂપ : દાહોદથી આહવા જવા નીકળેલા બસચાલકે રસ્તામાં પડેલા વૃક્ષને કુહાડીથી કાપીને હટાવ્યું

રાજ્યના દુર્ગમ વિસ્તારમા જ્યા આવાગમન માટેના સાધનો અને વાહનોની સીમિત સગવડ છે ત્યાં, રાજ્ય સરકારના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગની સેવા જ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. તાજેતરમા છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યમા વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે ઉદ્ભવેલી વિકટ સ્થિતિમા પણ, એસ.ટી. બસ પરિવાર તેની મુસાફર જનતા માટે અવિરત સેવાની પ્રતિબદ્ધતા સાથે, જરૂર પડ્યે સ્વયં રોડ ઉપર ઉતરીને, રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવાની કામગીરી પણ અદા કરી રહ્યુ છે. ગત બે દિવસ અગાઉ આહવા એસ.ટી.બસના એક દિલાવર ડ્રાયવરની દિલેરી સામે આવવા પામી છે. જે અન્યો માટે પ્રેરણારૂપ હોય અત્રે પ્રસ્તુત છે.

બે દિવસ અગાઉ મુશળધાર વરસતા વરસાદમા દાહોદ-આહવા બસ લઈને આહવા તરફ આવતા બસ ચાલક શ્રી મોન્ટીભાઈ નિનામા (બેચ નંબર :૧૪૯) એ વાંસદા-વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર પડેલા તોતિંગ વૃક્ષને કારણે ચક્કાજામની સ્થિતિ સર્જાયેલી જોઈ. વાહનોની લાંબી કતાર, અટવાયેલા અને ડઘાયેલા લોકોને જોઇને, આ બસ ચાલકે આ પરિસ્થિતિમા ‘આત્મનિર્ભર’ બનવાનો અવસર સમજી, આસપાસના ઘરોમાંથી કુહાડી સહિતના સાધનો એકઠા કરી, વરસતા વરસાદમા સ્વયં વૃક્ષની ડાળીઓ કાપી, માર્ગ ખુલ્લો કરવાની દિલેરી દાખવી હતી.

જોત જોતામા કલાકોથી બંધ રહેવા પામેલો માર્ગ બસ ચાલકના હકારાત્મક અભિગમ અને પ્રયાસને કારણે ખુલ્લો થતા, પ્રજાજનો સહીત અટવાયેલા વાહન ચાલકોએ તેમનો આભાર વ્યકત કરી રાહતનો શ્વાસ લીધો હતો. આમ, એક અદના કર્મચારીના હકારાત્મક અભિગમથી સેંકડો વાહન ચાલકોને તાત્કાલિક મદદ મળવા પામી હતી.એક મુલાકાતમા શ્રી મોન્ટુભાઈ નિનામાએ, તેમના ડેપો મેનેજર સહીત ઉચ્ચ અધિકારીઓએના સતત માર્ગદર્શન અને સૂચનાઓ મુજબ, બસના મુસાફરોની સુરક્ષા અને સલામતીને પોતાનુ પ્રાથમિક કર્તવ્ય ગણી, ત્વરિત નિર્ણય લઈને એસ.ટી.ડેપો, વાહન વ્યવહાર વિભાગ, અને સરકારની સેવાની પ્રતિબદ્ધતાને દોહરાવી છે.