- અટલ ઉદ્યાનના લોકાર્પણ કાર્યક્રમમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ વ્યક્તિઓની ઉપસ્થતિ.
- દાહોદ નગરપાલિકામાં સુધરાઈ સભ્યોમાં જૂથબંધી, મહિલા પ્રમુખ, તેમજ પક્ષના નેતાની નીતિરીતીથી મોટાભાગના નારાજ.
- પાલિકામાં પ્રમુખની સાથે સુપર પ્રમુખનું વહીવટ..?ચર્ચાતો સવાલ.
- ટૂંક સમય પહેલા ભાજપના ત્રણ હોદ્દેદારોએ સંકલન ની બેઠકમાં રાજીનામાં ધર્યા હતા.
દાહોદ,દાહોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે નિર્મિત અટલ ઉદ્યાન નું લોકાર્પણ નગર અધ્યક્ષાના હસ્તે કરવામાં આવતા વોર્ડ નંબર 2 સહીત દાહોદના શહેરીજનોમાં એક પ્રકારના આનંદની લાગણી ફેલાઈ છે. પરંતુ બગીચાના લોકાર્પણ કાર્યક્રમના ભાજપની ભાંજગડભરી જૂથબંદીના દર્શન થવા પામ્યા છે. આમ પણ છેલ્લા કેટલાક સમયથી સંગઠન અને નગરપાલિકા વચ્ચે ગજગ્રહ ચાલી જ રહ્યો હતો. એમાં ભાજપના ધારાસભ્યની એન્ટ્રી થતા એકજુથ થવાની કડી બને તેવા તાજેતરના કેટલાક પ્રસંગોમાં ઉપસ્થતિથી જોવા મળ્યું હતું. પરંતુ આજે લાખોના ખર્ચે લોકાર્પણ થયેલા ઉધાનમાં ધારાસભ્યની કોઈ પણ પ્રકારનું મહત્વ ન અપાતા થતા સંગઠનના હોદ્દેદારોની સાથે સાથે મહિલા મોરચાની નારાજગી પણ તેઓની અનુપસ્થિતિના કારણે જણાઈ આવી હતી. સામાન્ય રીતે ભાજપના આવા કાર્યક્રમોમાં સંગઠન યુવા મોરચા, મહિલા મોર્ચા સાહિતની સભ્ય સંખ્યા આંખે ઉડીને વળગે તેવી રહેવા પામતી હતી. ભાજપના આ આંતરિક કલેહની જ્વાળાઓ એટલી તેજ પુંજ સમી લાગતી હતી કે, આજુબાજુના રહીશો પણ આંગળીના વેઢે ગણાય તેટલા જ હતા. તો લોકાર્પણ સમયે ખુદ પાલિકાના અંદાજે 50 ટકા જેટલાં જ સુધરાઈ સભ્યોની ઉપસ્થતિ આ વિસ્તારના લોકોની સુખાકારી માટે વોકિંગ પથ સહિતની સુવિધાયુક્ત આ બગીચાના લોકાર્પણમાં શહેરીજનો કરતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા વધુ જણાતી હતી. બગીચાની તખતીમાં ચીફ ઓફિસરનું નામ હોવા છતાંય ચીફ ઓફિસરની ગેરહાજરી પણ નગર પ્રમુખ અને ચૂંટાયેલી પાંખની નીતિ રીતી સામે અનેક પ્રશ્નાર્થ તો ઉભા કરી રહી છે. ત્યારે અગામી દિવસોમાં સ્માર્ટસીટીના અને પાલિકા હસ્તકના વિકાસમાં ભાજપનો આંતર કલેહ કઈ પરિસ્થિતિ નિર્માણ કરશે તે કહેવું મુશ્કેલ છે. તો બીજી તરફ પ્રમુખની મુદત પણ ખૂબ જ ટૂંકા દિવસોમાં પૂર્ણ થવા જઈ રહી છે. એ પણ ઉલ્લેખનીય છે અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી જૂથબંદી જોવા મળી રહી છે. જેના પગલે પાલિકાના કામોમાં ઘણી ખરી અવ્યવસ્થા પણ જોવા મળી રહી છે. પાલિકાના સુધરાઈ સભ્યો ચાર થી પાંચ જૂથોમાં વહેંચાઈ જતા મોટાભાગના કામોમાં થતો આંતર કલેહ પણ હવે બહાર આવવા લાગ્યો છે. દબી જુબાનમાં સુધરાઈ સભ્યો પાલિકા પ્રમુખ તેમજ પક્ષના નેતાની નીતિ રીતીથી ખાસ્સા નારાજ જોવા મળી રહ્યા છે. પાલિકામાં પ્રમુખની ઉપર સુપર પ્રમુખ ચાલી રહ્યા છે. તેવો છૂપો ગણગણાટ પર જોર શોરથી ઉઠવા પામ્યો છે. એટલું જ નહિ કેટલાક સુધરાઈ સભ્યો તો લાંબા સમયથી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ફરક્યા જ નથી તેવી ચર્ચાઓ જોર શોરથી ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક સમયમાં યોજાયેલા કાર્યક્રમોમાં સુધરાઈ સભ્યોની સૂચક ગેરહાજરી ઘણું બધું કહી જાય છે. બીજું કે તાજેતરમાં કમલમ ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં સંગઠનના ત્રણ હોદ્દેદારોએ પાલિકામાં કોઈ સાંભળતું નથી, શહેરની સમસ્યાનો કોઈ હલ થતું નથી. તેવા બળાપા કાઢી રાજીનામુ ધરી દીધું હતું. જોકે મોવડી મંડળે ઉપરોક્ત ત્રણેય હોદ્દેદારોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. જોકે હવે નજીકમાં પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી નજીક છે. ત્યારે પાલિકામાં સુધરાઈ સભ્યો તેમજ સંગઠનનો વિરોધ ર્ક્યુ રૂપ ધારણ કરે છે. તે જોવું રહ્યું.