દાહોદ આર.ટી.ઓ.કચેરી પાસે ફોર વ્હીલ ચાલકે રોડ સાઈડે ઉભેલ દંપતિ અને બાઈકને અડફેટમાં પતિનું મોત

દાહોદ,દાહોદના ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પર આરટીઓ કચેરી નજીક એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તાની સાઈડમાં મોટરસાઈકલ લઈ ઉભેલા એક દંપતિ તથા તેમના એક બાળક મળી ત્રણને અડફેટમાં લેતાં દંપતિ પૈકી પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા તેમજ બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

આજરોજ તારીખ 02 મે ગુરૂવાર સવારના 9 કલાકે દાહોદ તાલૂકાના દશલા ગામના સરપંચ ફળિયામાં રહેતા કમલેશભાઈ ગણાવા જે તેઓની ધર્મપત્ની અને એક બાળકને લઈ દાહોદ કોઈ કામ અર્થે આવતાં હતા. તે દરમ્યાન દાહોદ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે આરટીઓ કચેરી હાઇવે નજીક તે તેમની ધર્મ પત્ની અને એક બાળકને લઈ હાઇવે નજીક મોટર સાઇકલ લઈ ઉભા હતા. તે દરમ્યાન મધ્ય પ્રદેશ તરફથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી દોડાવી લાવી મોટરસાઈકલ લઈ ઉભેલા કમલેશભાઈ એમની ધર્મ પત્ની અને એક બાળકને અડફેટમાં લેતા ત્રણે જણા હાઇવેથી દૂર સુધી ફેંકાયા હતા. જ્યારે ફોર વ્હીલર ગાડી હાઇવે નજીક ખાડામાં પલ્ટી ખાઈ હતી. અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા તપાસ કરતા કલ્પેશભાઇનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસ 108 ઈમરજન્સી એમ્બ્યુલંશને લઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત મહિલા અને બાળકને 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ મારફતે સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે કાર ચાલક અને કારમાં સવાર 4 લોકો ફોર વ્હીલર ગાડી સ્થળ મૂકી ફરાર થયા હતા. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.