
દાહોદ,
ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને ૨૪ કલાક વિત્યા બાદ પણ બાળક મળ્યું નથી. બાળની શોધખોળ માટે LCB, SOG સહિત ૬ ટીમો બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાઇ છે. મહત્વનું છે કે. હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ૨ વર્ષથી બંધ છે.

ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે. ૧ માસના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થતાં પોલીસ દોડતી થઇ છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે બનાવ બન્યો છે. બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું હોવાની વિગતો સામે આવી રહી છે. બપોરે ૨ વાગ્યાથી ૩ વાગ્યાની વચ્ચે બાળકનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૧ માસનું બાળક ગુમ થયાને ૨૪ કલાક વિત્યા છતાં બાળક શોધવામાં પોલીસને સફળતા મળી નથી. બાળકને શોધવા LCB, SOG, ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડા, રણધીકપુર સહિતની ૬ ટીમો કામે લાગી છે. પોલીસે કુટુંબ નિયોજન કરાવવા આવેલા ૩૪ જેટલા દર્દી, ગતરોજ હોસ્પિટલમાં નોંધાયેલી ઓપીડી, તેમજ છેલ્લા ૧ માસમાં થયેલી ડીલીવરીના કેસમાં મહિલાઓના ઘરે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ, હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી પણ છેલ્લા ૨ વર્ષથી બંધ છે. જો હોસ્પિટલમાં સીસીટીવી ચાલતા હોત તો કદાચ ગુમ થયેલ બાળકને શોધવામાં પોલીસને સરળતા રહી હોત.