વહેલી પરોઢે નજીકની પવિત્ર નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. ગરબાડા તાલુકાનાં વરમખેડા ખાતે પહાડોની વચ્ચે ભીમકુંડ તરીકે ઓળખાતી જગ્યાને પવિત્ર માનવામાં આવે છે.દાહોદ જીલ્લો એટલે આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. આમતો આદિવાસીઓ તમામ તહેવારોની ઉજવણી આજેપણ પોતાની એજ જૂની સંસ્કૃતિ પ્રમાણે કરતા હોય છે. હોળી એટલે દાહોદ જીલ્લાના આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. દાહોદ જિલ્લાનો આદિવાસી ગુજરાતના કે દેશના કોઈપણ ખૂણે હોય હોળીની ઉજવણી કરવા માટે તે માદરે વતન જરૂર આવે છે. ત્યારે આમલી અગિયારસના દિવસ એટલે આજથી આદિવાસીઓની હોળીની શરૂઆત થઇ જતી હોય છે.આમલી અગિયારસના દિવસે આખા વર્ષ દરમિયાન મૃત્યું પામેલા સ્વજનના અસ્થિ વિસર્જન માંટે ગરબાડા તાલુકાનાં વરમખેડા ખાતે આવેલા ભીમકુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના મૃત્યું પછી 12 માની વિધિ પછી પવિત્ર નદીમાં અસ્થિ વિસર્જનની પ્રથા હિન્દુ સમાજમાં રહેલી છે. ત્યારે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં અસ્થિ વિસર્જન માટે અલગ જ પ્રથા છે. આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન જે કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તેમના અસ્થિ માટીની કુલડીમાં ભરી ઘરની નજીક જમીનમાં દાટી દેતા હોય છે.જે બાદ આમલી અગિયારસના આગલા દિવસે સગા સબંધીઓની હાજરીમાં અસ્થિ બહાર કાઢવામાં આવે છે. વિધિ વિધાન સાથે અસ્થિને જળાભિષેક તેમજ દૂધનો અભિષેક કરવામાં આવે છે અને આખી રાત દૂધ માંજ રાખવામા આવે છે.
ત્યારબાદ વહેલી પરોઢે નજીકની પવિત્ર નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. ગરબાડા તાલુકાનાં વરમખેડા ખાતે પહાડોની વચ્ચે ભીમકુંડ તરીકે ઓળખાતી જગ્યાને પવિત્ર માનવામાં આવે છે. જેમાં આસપાસના ગામોમાંથી લોકો ઢોલ નગારા સાથે સ્વજનની અસ્થિ લઈ ને આવે છે અને મૃતક સ્વજનના મોક્ષ માટે પવિત્ર ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરે છે. પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે.