દાહોદમાં આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ : શહેરના રાજમાર્ગો પર દોડતી રિક્ષાઓ તેમજ દિવારો ઉપર રાજકીય પક્ષોના ભીંત ચિત્રો તેમજ બેનરો યથાવત

  • શહેરના રાજમાર્ગો પર દિવસભર દોડતી રીક્ષાઓ પર રાજકીય પક્ષના લાગેલા બેનરો ચૂંટણી પ્રકિયામાં સામેલ અધિકારીઓને જોવાતા નથી..? ચર્ચાતો પ્રશ્ર્ન
  • દાહોદ તેમજ અન્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની દીવાલો પર આમ આદમી પાર્ટીના ભીંતચિત્રો, થાંબલાઓ પર લાગેલા બેનરો ચૂંટણી પંચની કામગીરીની ચાડી ખાય છે.
    -વહીવટી તંત્ર એક તરફ ચૂંટણી અંગે પ્રતિબંધો બહાર પાડી રહ્યા છે. બીજી તરફ આદર્શ આચાર સંહિતાનો ભંગ..
    દાહોદ,
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સહિતા અમલવારીમાં આવી છે ચૂંટણીને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમ જ આવતીકાલથી ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવા જઈ રહ્યું છે. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી સંબંધે વિવિધ પ્રતિબંધો બહાર પાડ્યા છે. ત્યારે દાહોદ શહેરના રાજમાર્ગો પર ભાજપ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત રાજકીય પાર્ટીઓના બેનરો હજુ સુધી પણ યથાવત જોવા મળી રહ્યા છે. સાથે સાથે ખાનગી મકાનોની દીવારો પર રાજકીય પક્ષોના મોટા મોટા ભીંતચિત્રો નરી આંખે જોવા મળી રહ્યા છે. જે ખુલ્લેઆમ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે. દાહોદ શહેરના જે રાજમાર્ગો પરથી ચૂંટણી પ્રક્રિયામાં સામેલ વહીવટી તંત્રના અધિકારીઓ દિવસભર અવરજવર કરે છે. તે જ માર્ગો પર દિવસ-રાત દોડતી ઓટો રીક્ષાઓ પર ભાજપ કોંગ્રેસના બેનરો યથાવત જોવા મળી રહ્યા છે.એટલું જ નહિ દાહોદના વિવિધ વિસ્તારમાં આવેલી ખાનગી મિલ્કતોની દીવાલો પર આમ આદમી પાર્ટીના ભીંતચિત્રો નારી આંખે જોવાય રહ્યા છે. શું આ ભીંત ચિત્રો ચૂંટણી પંચ તેમજ વહીવટી તંત્રની મંજૂરીથી ચીતરવામાં આવ્યા છે કે, જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો છે. જે ખરેખર તપાસનો વિષય છે. તેમજ તે સિવાય થાંભલા ઉપર બેનરો પણ રાજકીય પક્ષોના બેનરો અડીખમ ઉભેલા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આદર્શ આચાર સહિતા દરમિયાન કોઈપણ વાહનોમાં રાષ્ટ્રીય પક્ષના બેનરો જોવા મળે તો તેમને ડિટેઇન સહિતની કાર્યવાહી કરવાના પણ નિયમો છે. ત્યારે દાહોદ શહેરમાં આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ અંગે ચૂંટણી પંચ ક્યારેક કાર્યવાહી કરશે તે હાલ જોવું રહ્યું.