સુરત,
સમયની સાથે સમાજમાં દહેજનું દૂષણ ઘટ્યુ નથી, પરંતું વધ્યું છે. દહેજના ખપ્પરમાં હજી પણ મહિલાઓ હોમાઈ રહી છે. દહેજના દૂષણમાં મહિલાઓની જિંદગી હણાઈ રહી છે. સુરતમાં એક પરિણીતાએ પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જ જીવન ટૂંકાવ્યું છે. લગ્નમાં ૧૫ તોલા સોના આપ્યું છતાં સાસરીવાળાનું મન ન ભરાયું. જેથી પરિણીતાએ મોત વ્હાલુ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે ૨૬ વર્ષીય પરિણીતા નેહા વિનોદ બોરસેએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. નેહાએ ઘરની છતા હૂંક સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી હતી. નેહાના પિતાએ તેના સાસરીવાળા સામે ફરિયાદ નોંધાવી કે, તેના સાસરીવાળા તેને દહેજ માટે ત્રાસ આપતા હતા. આ બાદ ડિંડોલી પોલીસે નેહાબેનના પતિ વિનોદ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો છે.
નેહાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ૨૦૧૭ ના વર્ષમાં નેહા અને વિનોદના લગ્ન થયા હતા. એ લગ્નમાં અમે ૧૦ તોલા સોનું આપ્યું હતું. આ સાથે જ કરિયાવરનો તમામ સામાન આપ્યો હતો. આ બાદ જ્યારે જ્યારે નેહા પોતાના પિયરમાં આવતી ત્યારે ત્યારે તેની પાસેથી સોનાનો દાગીના લઈ આવવાની માંગ કરાતી હતી. તેથી લગ્નના છ વર્ષમાં અમે ૫ તોલા જેટલી સોનાની વસ્તુઓ આપી હતી. પરંતુ બાદમાં તેના સાસરીવાળાની માંગ વધતી જતી હતી. જેથી અમે સોનુ આપવાની ના પાડી હતી. આ બાદ તેના સાસરીવાળા તેને ત્રાસ આપવા લાગ્યા હતા.
મારી દીકરીને તેના પતિ, સાસુ, સસરા હેરાન કરવા લાગ્યા હતા. એટલુ જ નહિ, તેની નણંદ દિપાલી પાટીલ પણ સુરત આવીને સાસુ-સસરાને ચઢામણી કરી હતી. જેથી સાસરીવાળા નેહાને વધુ ત્રાસ આપતા હતા. વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને તેનો પતિ, સાસુ, સસરા અમારા કોઇ સગાસંબંધીને ત્યાં કોઇ પણ પ્રસંગે જવા દેતા ન હતા.
આ બાદ ગત રોજ મને ફોન આવ્યો હતો કે, નેહાની તબિયત બગડી છે. જે વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે, મારી દીકરીએ નાયલોનની દોરી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મારી દીકરી તેના સાસરીવાળાને કારણે મોતને ભેટી છે.