દહેગામ, દહેગામ તાલુકાના ઘમીજ ગામની સીમા આવેલ એક ખેતરમાં ભેલાણ કરવા બાબતે કનીપુર ગામની સીમમાં રહેતા ભરવાડ અને ખેતર માલિકના ઝાલા પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો એકબીજા પર હુમલા પર આવી પહોંચ્યો હતો આ સમય લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા ઝાલા પરિવારના ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર સારવાર દરમિયાન ઉદાજી ઝાલા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ મામલે દહેગામ પોલીસ છે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી હુમલો કરનાર ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. આ મામલે સામા પક્ષે પણ ચાર વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો હતો.
બે દિવસ પહેલા દશક્રોઇ તાલુકાના કુહા પાસે આવેલ દોઢાની મુવાડી ખાતે રહેતા રતીલાલ હુકાજી ઝાલા ઘરે હાજર હતા ત્યારે તેમના ભાગીયા જયંતીભાઇ ઠાકોરે ફોન મારફતે જણાવ્યું હતું કે ઘમીજ ગામની સીમમાં આવેલ આપણા ખેતરમાં કનીપુર ગામના ચરા (સીમમાં) રહેતા કમલેશભાઇ ભરવાડ, હરજીભાઇ ભરવાડ, નવગણભાઇ ભરવાડ પોતાની ગાયો ભેસો અને ઘેટા-બકરા લઇને ખેતરમાં બાજરીના પુરા પડયા છે ત્યા ચરાવવા આવ્યા હતા. તેમણે ચરાવવાની ના પાડતા ઉપરોક્ત શખ્સોએ તેમની સાથે બિભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો છે. ત્યારબાદ રતીલાલ બન્ને દિકરાઓ વિજયભાઇ, મેલાભાઈ તથા ભત્રીજો વિષ્ણુ અને કુટુંબીભાઈ ઉદાજી સોમાજી સાથે ખેતરમાં ગયા હતા. ત્યારે ગામની સીમમાં ઉપરોક્ત શખ્સો પોતાના પશુ ચરાવતા હતા ત્યારે પશુ ચરાવવા બાબતે ઠપકો આપતા કમલેશભાઇ ભરવાડ ઉશ્કેરાઇ જઈને લાકડી વડે ફરિયાદીના માથાના ભાગે મારી હતી તથા તેમના દિકરા પર પણ લાકડી વડે શખ્સોએ હુમલો કર્યો હતો. ત્યારબાદ વિજયભાઇ, મેલાભાઈ તથા ભત્રીજો વિષ્ણુ અને કુટુંબીભાઈ ઉદાજી સોમાજી છોડવા વચ્ચે પડતાં ઉદાજી સોમાજીને માથામાં બે ત્રણ ફટકા માર્યા હતા. બાદમાં નવઘણ ભરવાડે જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. બનાવ બાદ ફરીયાદી અને તેમના દીકરાઓ તથા કુટુંબીભાઈ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઉદાજી સોમાજીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે દહેગામ પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી ત્રણેયને ઝડપી લીધા છે. તો બે દિવસ પહેલા જયારે હુલાની ઘટના બની હતી તે અંગે કમલેશભાઈ ભરવાડે પણ રતિલાલ મુકાજી ઝાલા, વિજય રતિલાલ ઝાલા, વિષ્ણુ બાલાજી ઝાલા તથા મેલાજી રતિલાલ ઝાલા સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આમ ભેલાણ મામલે સામાન્ય બાબતને લઇ શરુ થયેલ બોલાચાલી હુમલા સુધી પહોંચી ગઈ હતી અને જેમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવો પડયો છે.