દાહોદના ઉંડાર ગામની 25 વર્ષીય પરણિતાએ અગમ્યકારણોસર સાસરીમાં ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો

દાહોદ તાલુકાના ઉંડાર ગામે એક 25 વર્ષિય પરણિતાએ અગમ્યકારણોસર પોતાની સાસરીમાં ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદના ઉંડાર ગામે મેડા ફળિયામાં રહેતાં 25 વર્ષિય પરણિતા જોશનાબેન ઉર્ફે જોત્સનાબેન વિપુલભાઈ મેડાએ ગત તા.23મી જુનના રોજ પોતાની સાસરી ઉંડાર ગામે અગમ્યકારણોસર ઓરડામાં છતના પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સાસરીપક્ષ તેમજ પીયર પક્ષના લોકોને થતાં તમામ સ્થળ પર દોડી ગયાં હતાં. પરણિતા જોશનાબેન ઉર્ફે જોત્સનાબેનના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતક પરણિતા જોશનાબેન ઉર્ફે જોત્સનાબેનના મૃતદેહને પંખા પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં.

આ સંબંધે રતનીબેન મુકેશભાઈ કલારાએ કતવારા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.