જૂની પેન્શન યોજના સહિત 13 જેટલા પડતર પ્રશ્ર્નો ઉકેલવાની માંગણી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત પ્રાંત આયોજીત અને રાષ્ટ્રીય સંયુક્ત મોરચો દાહોદ જીલ્લા પ્રેરીત બુધવારે પોતાની પડતર માંગણીઓ માટે મહામતદાન કાર્યક્રમ યોજાયો હતો. કર્મચારીઓની મહત્વની માંગણી જૂની પેન્શન યોજના (ઘઙજ)ની સાથે સાથે અન્ય 12 જેટલી માંગ સાથે સંયુક્ત મોરચો ગુજરાત પ્રાંત દ્વારા મહામતદાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
જેમાં જીલ્લાના દરેક તાલુકાઓમાં કર્મચારીઓ અનેરા ઉત્સાહ સાથે સવારના 10.00થી સાંજના 5.00 કલાક સુધી જોડાઈને પોતાની માંગણીઓના અભિપ્રાયો મતદાન દ્વારા સરકાર સુધી પહોંચાડવા માટે બેલેટ પેપરમાં ટિક માર્ક કરીને મતદાન કર્યું હતું. સાથે-સાથે પેનડાઉન, ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીથી પણ અળગા રહ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન જીલ્લાના વિવિધ તાલુકાઓમાં આ મહા મતદાનનાં કાર્યક્રમમાં કર્મચારીઓ સંગઠનના આહ્વાનને સાર્થક કરવા પોતાનો અમૂલ્ય મત પોતાની માંગણી માટે આપીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન: સ્થાપન સંયુક્ત મોરચો દાહોદ જીલ્લાનાં સંયોજક દેશિંગભાઈ તડવી, માર્ગદર્શક સરદારભાઈ મછાર, પલ્લવીબેન પટેલ, મહામતદાન કાર્યક્રમના ચુંટણી અધિકારી દિપકભાઈ તડવી, મહામંત્રી જનકભાઈ પટેલ સહિત સમગ્ર ટીમે કર્મચારી ભાઈઓ-બહેનોનો દિલથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.