દફનાવેલી બાળકીને બહાર કાઢી?:પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનો ખુલાસો, મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે કાર્યવાહી થશે

સુરેન્દ્રનગર,

હૃદયમાં કાણા સાથે જન્મેલી માસૂમનું મોત થતાં દફનવિધિ કરાઈ હતી. જોકે, બાળકીના મોતનો માતમ પૂરો પણ નહોતો થયો ને પરિવાર પર બીજું આભ ફાટ્યું હતું. બીજા દિવસે જ અસ્તવ્યસ્ત હાલતમાં માસૂમની ડેડબોડી મળી આવી હતી. જે બાદ પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બાળકીને પીએમ માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યા પ્રાથમિક તપાસમાં તેના પર દુષ્કર્મ ન થયું હોવાનો ખુલાસો થયો છે. જોકે, બીજી તરફ દફનાવેલી બાળકને કોણે બહાર કાઢી અને તેની સાથે શું થયું હતું તે તરફ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણું હોવાથી તારીખ ૨૫ ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ બાળકીની દફનવિધિ કરવામાં આવી હતી જે બાદ બીજા દિવસે બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારજનો ચોકી ઉઠ્યાં હતા. પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો હતા અને નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પરિવારજનોએ જણાવ્યું કે, અમારી માસૂમ બાળકીને જન્મથી જ હૃદયમાં કાણું હતું. જેથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તે બાળકીને મૃત જાહેર કરી હતી. જે બાદ દીકરીની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે આ બાળકીની લાશ કોઈ આવારા તત્ત્વોએ બહાર કાઢી હોવાનું જોવા મળ્યું હતું. તેમજ અસ્તવ્યસ્ત હાલતમાં ડેડબોડી મળી આવી હતી જેથી પ્રથમ દૃષ્ટિએ આ બાળકી સાથે કોઈ અજુગતો બનાવ થયો હોય તેવું લાગી રહ્યું હતું. જેને લઈ પોલીસ સ્ટેશને જતા પોલીસે અરજી આપવાની વાત કહી હતી. જોકે, અમને ઘટનાની ગંભીરતા દેખાતાં બહેનોએ બાળકીની ડેડબોડીનું ચેકઅપ કરતા આ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાયું હતું. જેથી પોલીસને જાણ કરી હતી. પોલીસે ડેડબોડી લઈ થાનગઢની આરોગ્ય કેન્દ્રમાં રજૂ કરતા ત્યાં ડોક્ટરે જણાવ્યું કે, તેના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડછાડ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જે બાદ ડેડબોડીને રાજકોટ લઈ જવામાં આવી છે. સ્મશાનમાં ડેડબોડી સાથે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે અમારી માંગણી છે કે, જે પણ આવારા તત્ત્વો છે તેને ઝડપી લઈ અને તપાસ કરવામાં આવે.

બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યા ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રીપોર્ટ આવતા નવો જ ખુલાસો થયો હતો. જેમાં બાળકી સાથે દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાળકીને કોઇ ઇજાના નિશાન પણ જોવા મળ્યાં ન હતા. જો કે, મૃતદેહ સાથે છેડછાડ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. મૃતદેહ કોને બહાર કાઢ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.