દાદરા નગર હવેલીમાં ૨૧ દિવસમાં નાણાં ડબલની લાલચ આપી ૭૩ લાખની છેતરપિંડી

દાદરા નગર હવેલી, દાદરા નગર હવેલીમાં ૨૧ દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને ૧૦ વ્યક્તિ પાસે રોકાણ કરાવ્યા બાદ નાણાં પરત ન કરાતા વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી અંગેનો ગુનો દૂધની પોલીસ મથકે નોંધાયો હતો. આ કિસ્સામાં આરોપી તરીકે વર્ણવાયેલા સંદીપ શંકર બોરસાએ હાલ દાનહ બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.

મોટી દમણના નવીનભાઈ ડાહ્યાભાઈ પટેલે ફરિયાદમાં જણાવાયું કે, ૨૦૨૨માં જી.એસ.બી. મોરિંગા પ્રા. લિ. તથા જી.એસ.બી. ગીતાંજલિ પ્રા.લિ.ના નામથી સંદીપ બોરસા તેમજ દિલીપ બોરસા બિઝનેસ ચલાવતા હતા. સંદીપ બોરસાએ પોતાની કંપનીને પબ્લિક લિમિટેડમાં નવીન પટેલને રોકાણ કરવા કહ્યું હતું જે ૨૧ દિવસમાં પૈસા ડબલ કરી આપશે તેવી લાલચ આપી હતી. જેમા નવીનભાઈએ ૩૩ લાખ, મોહમદઅલીએ રૂ. ૪,૬૮,૦૦૦, સુમન પટેલે રૂ. ૧૨,૨૪,૦૦૦, જયંત પટેલે ૫,૫૦,૦૦૦, રણજીત વળવીએ ૪ લાખ, દીપક કનુ પટેલે ૪,૩૯,૦૦૦, જગદીશ પાટકરે રૂ. ૩,૨૨,૦૦૦, બિપિન પટેલે રૂ. ૩,૪૮,૫૦૦, હિતેશ ભંડારીએ રૂ.૧,૮૬,૦૦૦ તથા સન્મય રાઠોડે રૂ. ૧,૨૦,૦૦૦નું રોકાણ કર્યું હતું. આમ કુલ ૭૩,૫૭,૫૦૦નું રોકાણ થયું હતું. આ રોકાણ બાદ સંદીપ બોરસાને વ્યાજ-મુદ્દલ ચૂકવવાના હતા, પરંતુ રોકાણકારોને કોઈ રકમ ચુકવાઈ ન હતી. જયારે સંદીપ બોરસા પાસે રકમ માંગતા તેઓએ નવીન પટેલને અપશબ્દો કહ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.