દે.બારીઆના ભુલવણ ગામે બાળ લગ્ન અટકાવાયા

દે.બારીઆ,દે.બારીઆ સહિત હાલમાં દાહોદ જિલ્લામાં લગ્નસરાની મોૈસમ પુર બહારમાં ખીલી છે. ત્યારે ગામડામાં કયાંક કયાંક હજુ પણ બાળ લગ્નો થતાં હોવાની ફરિયાદો જિલ્લાના જવાબદાર અધિકારીઓ સુધી પહોંચતી હોય છે. બાળ લગ્નની ફરિયાદ મળતા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ દ્વારા મળેલ માહિતી ખરેખર સાચી છે કે કેમ તેની સંપુર્ણ ખાતરી કરી તાત્કાલિક અસરથી કાયદેસરના પગલા લેવાતા હોય છે.

દે.બારીઆ તાલુકાના ભુલવણ ગામ ખાતે રહેતા પસાયા ફળિયાના કનુભાઈ કુકાભાઈ સંગાડિયાના દિકરાની સગાઈ લીમખેડા તાલુકાના એક ગામની દિકરી સાથે સમાજના રિતી રિવાજ મુજબ કરી લગ્ન નકકી કરવામાં આવ્યા હતા. જેમાં તા.19/04/2024ના રોજ ગણપતિ સ્થાપના, જમણવાર અને ચાંદલાવિધિ, મંડપમુર્હુત, તેમજ 21/04/2024ના રોજ જાન પ્રસ્થાન અને મંગળ ફેરા વિધિની કંકોત્રી પણ સગા સંબંધિઓમાં આપવામાં આવી હતી. જેથી લગ્નની અનેક વિધિઓ ચાલતી હોય ઓચિંતા દાહોદ જિલ્લાના જવાબદાર અધિકારીની ટીમ ભુલવણ ગામે આવી પહોંચતા વરરાજાના પરિવારજનો તેમજ ફળિયાના માણસો પણ અચંબામાં પડી ગયા હતા. દાહોદ જિલ્લા કક્ષાએ બાળ લગ્નની ફરિયાદ થતાં તપાસનીશ અધિકારી તેમજ દે.બારીઆ પોલીસ મથકના પીએસઆઈ એસ.કે.લાડની ટીમ દ્વારા ભુલવણ ગામે તપાસ કરતા વરરાજાની ઉંમર ઓછી હોય જેથી લગ્ન થઈ શકે તેમ નહિ હોય કાયદાની પરીભાષા મુજબ વર પક્ષના આગેવાનો સાથે સમજાવટ કરી બાળ લગ્ન નહિ કરવુ જોઈએ તેવુ જણાવી કાયદેસરના પગલા લઈ બાળ લગ્ન અટકાવ્યા હતા.