દે.બારીયા તાલુકાના રેબારી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાંજના સમયે ડોક્ટર ફરજ ઉપર હાજર નહીં મળતા દર્દીઓને હાલાકી

  • ગામલોકોની અનેક રજુઆત છતાંય પરિણામ શુન્ય.

દાહોદ,પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા તાલુકાના રેબારી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સરકાર તરફથી દર્દીઓને મફત સારવાર આપવા માટે જરૂરી મેડિકલ સ્ટાફ સહીત લેબોરેટરી ટેક્નિશ્યનની નિમણુંક કરવામાં આવેલ છે. રેબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોટીઝરી, નાનીઝરી, રેબારી, પીપલોદ (1), (2), (3) અને પંચેલા એમ પાંચ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ પાંચ ગામ નજીકમાં પીપલોદ ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલ છે.

સરકાર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે રેબારી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કમ્પાઉન્ડ વોંલ સાથે પાકું બાંધકામ સાથેનું મકાન પણ બનાવવામાં આવેલ છે. સરકાર દ્વારા મફત સારવાર દર્દીઓને કરવામાં આવી રહી છે. પરંતુ રેબારી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારના સમયે દર્દીઓને સારવાર કરવામાં આવતી હોય છે. આ દવાખાને સરકાર તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવેલ હોવા છતાંય પણ દર્દીઓને ઓપીડી દરમ્યાન માત્ર દવા – ગોળી આપી પરત ઘરે મોકલી દેવામાં આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જયારે પ્રસુતિના કેસમાં મોટા ભાગની પ્રસુતિ બહારના ખાનગી દવાખાનામાં થઈ હોય તો પણ અહીંયાના દવાખાને બતાવી દેવામાં આવતું હોવાની પણ માહિતી મળી છે. સવારના સમયે ઓપીડી દરમ્યાન ગણ્યો ગાંઠ્યો સ્ટાફ હાજર રહેતો હોય છે. જયારે સાંજના સમયે ફરજ ઉપરના જવાબદાર કોઇપણ ડોક્ટર કે નર્સ, કમ્પાઉન્ડર, ફાર્માસીસ્ટ હાજર હોતા નથી. રેબારી ગામના સ્થાનિક આગેવાનો એ થોડા મહિના અગાઉ પણ મેડિકલ ઓફિસરને સ્ટાફ સહિત દવાખાને હાજર રહેવા માટે જણાવ્યું હતું છતાંય ડોક્ટર પોતાની મનમાની થી ફરજ ઉપર હાજર રહેતા નહીં હોય સાંજના સમયે દર્દીઓને જરૂરી સારવાર નહીં મળતા પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા ખાનગી દવાખાનાનો સહારો લેવા પડતું હોય છે.

રેબારી ગામની કોઈ સગર્ભા બહેનને રાત્રીના સમયે જો પ્રસવ પીડા થાય અને ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ માટે લાવવામાં આવે ત્યારે ફરજ ઉપર ડોક્ટર હાજર નહીં મળતા દેવગઢબારીયા અથવા પીપલોદ દવાખાનામાં પ્રસુતિ કરાવવું પડતું હોય છે. રેબારી ગામની પ્રસુતિના વાર્ષિક આંકડાની તપાસ અન્ય દવાખાનામાં થવું જોઈએ તો તંત્રને જાણ થાય કે રેબારી દવાખાનામાં ખરેખર રેઢિયાળ વહીવટ થઈ રહ્યો છે અને દર્દીઓ તેનો ભોગ ભોગવી રહ્યા છે. તાલુકાના જવાબદાર હેલ્થ ઓફિસરની સૂચનાનો અમલ પણ રેબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ કરી શકતા નથી તે ગંભીર બાબત કહી શકાય. આજે મીડિયાકર્મીઓએ રૂબરૂ મુલાકાત લેતા સ્ટાફનું કોઈ હાજર ના હતું પછી થી જયારે જાણ થઈ કે મીડિયા વાળા આવીને ગયા પછી તરતજ સ્ટાફ વાળા આવીને કામગીરીમાં લાગી ગયા હોવાની પણ જાણકારી મળી છે.

આમ દેવગઢબારીયા તાલુકાના રેબારી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી સ્ટાફ હાજર રહે તે માટે ગ્રામજનોની માંગ છે.