દે.બારીઆ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તાલુકામાં હાલ સુધીમાં 517 મી.મી.કુલ વરસાદ નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ સાલે વરસાદ સારો રહ્યો છે. પણ સાથો સાથ ખેતીપાકોને મોટુ નુકસાન થયુ છે.
દે.બારીઆ તાલુકામાં વધારે પડતા વરસાદના કારણે ભથવાડા અને રામા ગામ વચ્ચે ચંદ્રોઈ નદી પસાર થાય છે. જે નદી ઉપર ડામર રોડ નવો બન્યો ત્યારે નવીન પુલ બનાવવામાં આવેલ હતો પરંતુ ચાલુ ચોમાસુ સત્રમાં વધારે વરસાદના કારણે ચંદ્રોઈ નદીમાં ભારે પાણીનુ પુર આવતા પુલનુ આરસીસી તુટી જતાં પોપડા ઉખડી જતાં ડામર રોડ ભંગાર બની ચુકયો છે. ચંદ્રોઈ નદી પુલ તુટી જવાના કારણે ભથવાડા અને રામા ગામ સહિત નજીકના ચારથી પાંચ જેટલા ગામડાનો અવર જવરમાં હાલમાં પાણીનુ વ્હેણ વધારે હોય વાહનચાલકો સહિત મુસાફર જનતાને હાડમારીનો સામનો કરવુ પડી રહ્યુ છે.
જયારે દે.બારીઆ તાલુકાના કાળીયાગોટા ગામ ખાતે ખેડા ફળિયા જવાના નવીન બનેલ ડામર રોડનુ નાળુ વરસાદી પાણી વધી જતાં નાળુ તુટી જતાં ગામલોકોને ગામના મુખ્ય રોડ ઉપર આવવુ-જવુ અઘરૂ બન્યુ છે. આ સમયે કોઈ સગર્ભાને ડીલીવરી કરવા માટે દવાખાને જવુ હોય અથવા તો બીજા કોઈ દર્દીને સારવાર માટે લઈ જવુ પણ મુશ્કેલ બન્યુ છે. આમ દે.બારીઆમાં વધારે વરસાદના કારણે નદીનાળા, અને કોતરમાં પાણીના પુર આવતા કયાંક કયાંક રોડ-રસ્તા તુટી જતા જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.