દે.બારીયા તાલુકાના 45 કરોડના વિવિધ નવીન કામોનું ખાતમુહૂર્ત પંચાયત અને કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને કરાયું

દાહોદ, રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારિયા તાલુકા ખાતે 45 કરોડના વિવિધ નવીન કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી હતી કે, જે ખાતમૂહુર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ વિકાસ સંસ્કૃતિ ગુજરાતમાં સતત ચાલુ રહી છે. જેના પરિણામે આજે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એમ ડબલ એન્જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ થકી ગુજરાતે જે વણથંભી વિકાસયાત્રા આરંભી છે, તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, ગુજરાતે આજે વિકાસની હરણફાળ ભરી છે. જિલ્લામાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે વિકાસ કામો શરૂ કર્યા છે. નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે આયોજનબદ્ધ વિકાસની દિશામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતરમાળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે.

વધુમાં મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર ગામડાઓના સર્વાગી વિકાસ માટે કટીબધ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની ખૂટતી કડી પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર હરહંમેશા તત્પર છે એટલુ જ નહી ગામડાઓમાં વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવે છે. જેના લીધે આજે લોકાંક્ષાઓ પરી પુર્ણ કરવામાં આવી રહી છે. જેના ફળદાયી પરીણામો મળી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાપંચાયતના સભ્યો, સરપંચો, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.