દે.બારીઆ તાલુકામાં નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર

દે.બારીઆ, દે.બારીઆ તાલુકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી છે. નલ સે જલ યોજનાની કામગીરી અધુરી હોવા છતાં કામગીરીના બિલની ચુકવણી ગ્રામ પંચાયતો દ્વારા કરી અધુરી કામગીરી હોવા છતાં પણ કોના ઈશારે બિલોની રકમ ચુકવાઈ જેવા અનેક સવાલો નલ સે જલ યોજના ફારસરૂપ સાબિત થતાં હાલ અનેક લોકોને પડતી પાણીની મુશ્કેલીઓ ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરે તો આ યોજનામાં આચરેલી ગેરરિતી બહાર આવે તેમ છે.

દે.બારીઆ તાલુકામાં પણ નલ સે જલ યોજના અમલી બનાવતા તાલુકાની દરેક ગ્રામ પંચાયતોમાં કરોડો રૂપિયાના ખર્ચે આ યોજનાની કામગીરી ચાલુ કરી હતી. જે કામગીરી શરૂ થતાં લોકોને એવી આશા બંધાઈ હતી કે હવે આ નળમાં ધર સુધી પીવાનુ પુરતુ પાણી મળી રહેશે.કેટલીક ગ્રામ પંચાયતના એક જ ફળિયામાં આ નલ સે જલ યોજનાની કામગીરી કરી તો કયાંક ખાલી પાઈપલાઈન નાંખી અને કયાંક કામગીરી થઈ દેખાતી નથી. ધરની આગળ નળની ચકલીઓના સ્ટેન્ડ બનાવી દઈ એજન્સીઓ દ્વારા અધુરી કામગીરી મુકીને બિલો બનાવી ગ્રામ પંચાયતો પાસેથી લાખો રૂપિયા લઈ જાણે ભુગર્ભમાં ઉતરી ગયા હતા. તેમ તાલુકાના તમામ ગામોમાં આ યોજનાની કામગીરી માત્રને માત્ર દેખાવ પુરતી થઈ હોય તેમ જોવાઈ રહ્યુ છે. જેને લઈ હર ધર નળની યોજના ઉપર જાણે પાણી ફરી વળ્યુ છે. આ યોજનાની રાહ જોતા કેટલાક લોકોના આજેપણ પીવાના પાણી માટે વલખા મારતા હોય તેમ જોવાઈ રહ્યા છે. તેમજ આ યોજનાની કામગીરી અધુરી હોવા છતાં પણ ગ્રામ પંચાયતો દ્વારા તેના બિલની ચુકવણી કરી દેતા કામગીરી અધુરી હોવા છતાં બિલની ચુકવણી કોના કહેવાથી કરી જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.